
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)પાટણના ધારાસભ્યએ શહેરની બે ગંભીર જાહેર સમસ્યાઓ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમાં નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં ‘ઈ-ઓળખ’ પોર્ટલ બંધ હોવાની સમસ્યા અને વર્ષોથી શરૂ ન થયેલા નવા બસ સ્ટેન્ડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
નગરપાલિકાની ‘ઈ-ઓળખ’ વેબસાઈટ લાંબા સમયથી બંધ હોવાથી 01/01/2015 થી 31/08/2025 સુધીના નોંધાયેલા જન્મ અને મરણના દાખલા નાગરિકોને મળતા નથી. હાલ કાર્યરત CRS પોર્ટલમાં જૂની વિગતો ન હોવાથી શિષ્યવૃત્તિ, પાસપોર્ટ અને વિદેશગમન જેવી પ્રક્રિયાઓમાં અડચણ ઊભી થઈ છે.
આ પરિસ્થિતિને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને દાખલાઓ માટે નગરપાલિકાના વારંવાર ધક્કા ખાવા પડે છે, જેના કારણે તેમને માનસિક અને આર્થિક નુકસાન વેઠવું પડે છે. નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
બીજી તરફ, પાટણનું નવું બસ સ્ટેન્ડ વર્ષ 2017માં તૈયાર થવા છતાં આજદિન સુધી શરૂ થયું નથી. બસ સ્ટેન્ડ કાર્યરત ન હોવાને કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ, દર્દીઓ અને મહિલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ધારાસભ્યએ બંને મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ