

પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી કુખ્યાત કડિયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સીસોદીયા અને 11 વર્ષથી ફરાર મહિલા આરોપી ક્રિષ્ના સીસોદીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5 લાખની રોકડ જપ્ત કરી છે.
પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોની બહારથી દાગીના તથા રોકડની ચોરી કરતી આ ગેંગને પકડવા LCB દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાંસી ગામની હોવાનું ખુલ્યું હતું.
બાતમીના આધારે LCB ટીમે સ્થાનિક પોલીસની મદદથી રાજગઢમાં વેશ પલટો કરી કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મુખ્ય આરોપી નકુલ રાજકુમાર સીસોદીયાને રૂ. 3 લાખ રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
નકુલની પૂછપરછના આધારે અન્ય આરોપી કલાવતી ઉર્ફે કાડી દિલીપ સીસોદીયાના ઘરેથી વધુ રૂ. 2 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા હતા. સાથે જ 11 વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપી ક્રિષ્ના પત્ની બીરૂ પ્રભુ સીસોદીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ક્રિષ્ના સીસોદીયા સામે વર્ષ 2014માં પાટણ સિટી B ડિવિઝન, અંબાજી અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 અને 114 મુજબ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈએ જણાવ્યું કે LCB ટીમ ચાર દિવસ સુધી રાજગઢ ખાતે રોકાઈ હતી અને ભૌગોલિક પરિસ્થિતિ તેમજ આરોપીઓના આશ્રયસ્થાનોની માહિતી મેળવી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં કુલ 6 ગુનાઓ ડિટેક્ટ થયા છે.
ડિટેક્ટ થયેલા ગુનાઓમાં રાધનપુર બસ સ્ટેશન, પાટણના લગ્ન પ્રસંગો, સિદ્ધપુર SBI બેંક, હારીજ નજીક કિરાણા સ્ટોર અને પાર્ટી પ્લોટમાંથી થયેલી ચોરીનો સમાવેશ થાય છે. તમામ ગુનાઓમાં ચોરાયેલ રકમ અને દાગીનાની 100 ટકા રિકવરી કરવામાં આવી છે.
પોલીસ મુજબ ગેંગ લગ્નમાં સારા કપડાં પહેરી ઘૂસી દાગીના ઉઠાવતી અને બેંકો બહાર રોકડ લઈને જતા લોકોને નિશાન બનાવતી હતી. હાલ આ ગેંગના અન્ય ત્રણ સાગરીતોની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ