
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને, પતંગ ચગાવતી વેળાએ વીજ તારોથી થતા અકસ્માતો અટકાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વિવિધ સાવચેતીના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પતંગ ચગાવતી વેળાએ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહી.વીજળીના તાર કે કેબલને અડકશો નહી. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી.તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડકા થવાની, તાર તૂટી જવાની,અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો(ઉપકરણો)બળી જવાની સંભાવના રહે છે.
થાંભલા કે વીજળીના તારમાં અથવાતો વીજળીના તાર નજીકના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે.ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહી,તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાથી અને અકસ્માતની સંભાવના છે.
વધુમાં નજીવી કિમતના પતંગ માટે આપની અણમોલ કિમતી જીંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો.ચાયનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે,જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઇ શકે છે.વીજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહી.
વીજ સંબંધિત ઇમરજન્સી માટે હેલ્પલાઈન નંબર 19122 અથવા 1800 233 155333 પર તાત્કાલિક સંપર્ક કરવા તેમજ વોટ્સએપ નંબર 9512019122 દ્વારા પણ માહિતી આપવા અને અકસ્માત સર્જાય તો તરત જ સંબંધી વીજ ઓફિસનો સંપર્ક કરવો અનિવાર્ય છે. અને ઉતરાયણ તહેવારમાં સાવચેતી, સુરક્ષા અને જવાબદારી સાથે પતંગોત્સવ માણવા અપીલ કરી હતી. ઉત્તરાયણનો ઉત્સવ આનંદપૂર્ણ અને અકસ્માતમુક્ત રીતે ઉજવાય તેવી પોરબંદર અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya