

પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમી તાલુકાના 50થી 60 આગેવાનોએ જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી. તેના અનુસંધાને પોલીસ તંત્રએ રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર અને હારીજ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા DYSPના માર્ગદર્શન હેઠળ 4 સ્પેશિયલ ટીમો બનાવવાની ખાતરી આપી છે.
ઠાકોર સમાજમાં દારૂના કારણે થતાં યુવાનોના મૃત્યુ અને સામાજિક નુકસાનને રોકવા સમાજ દ્વારા સ્વયંભૂ જનતા રેડની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખુદ મેદાને ઉતર્યા છે અને ગામડે ગામડે દારૂ બંધ કરાવવાની કામગીરી ચાલી રહી છે.
જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરી અટકાવવા પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે. પોલીસ તંત્ર અને ગ્રામ સમિતિઓ સાથે સંકલન કરી દારૂના અડ્ડાઓ અંગે માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ રજૂઆત સમયે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ