સોમનાથ:સ્વાભિમાન પર્વ જામનગરના મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ એટલે સોમનાથનો દિગ્વિજય દ્વાર”
સોમનાથ,09 જાન્યુઆરી (હિ.સ.) આજે જ્યારે સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગ
સોમનાથનો દિગ્વિજય દ્વાર”*


સોમનાથ,09 જાન્યુઆરી (હિ.સ.) આજે જ્યારે સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે.ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે.

ભારત આઝાદ થયા બાદ જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો, ત્યારે સૌરાષ્ટ્રના રાજપ્રમુખ તરીકે મહારાજા દિગ્વિજયસિંહજીએ માત્ર શાસકની જ નહીં, પણ એક જાગૃત સંસ્કૃતિ રક્ષકની ભૂમિકા ભજવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે તેમણે વહીવટી દ્રઢતા અને નૈતિક સમર્થન પૂરું પાડ્યું હતું. જમીન સંપાદનથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ જટિલ બાબતોમાં તેમણે રાષ્ટ્રીય ગૌરવને અગ્રિમતા આપી હતી.

સોમનાથ મંદિરના નવનિર્માણ માટે જ્યારે 'સોમનાથ ટ્રસ્ટ'ની રચના કરવામાં આવી, ત્યારે રૂપિયા એક લાખનું સૌથી પહેલું દાન આપીને જામ સાહેબે ઉદારતાનો દાખલો બેસાડ્યો હતો.

* શિલાન્યાસ: 8 મે, 1950ના રોજ જામ સાહેબના હસ્તે જ નૂતન મંદિરનો વિધિવત શિલાન્યાસ થયો હતો.

* ટ્રસ્ટનું સંચાલન: તેઓ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ બન્યા અને આજીવન આ પદ પર રહીને સેવા આપી. તેમની સાથે સામળદાસ ગાંધી, એન.વી. ગાડગીલ અને કનૈયાલાલ મુન્શી જેવા દિગ્ગજોએ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી.

સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું “દિગ્વિજય દ્વાર” એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે. આ દ્વાર યાત્રાળુઓને ભારતના આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનના ગૌરવમય અધ્યાયની યાદ અપાવે છે. તે ગુલામીના અંધકાર પછી પ્રગટેલા આત્મસન્માનના દીપક સમાન છે.

કાળના પ્રવાહમાં શાસકો બદલાય છે, પરંતુ સંસ્કૃતિ કાજે સમર્પિત વ્યક્તિત્વો અમર થઈ જાય છે. મહારાજા દિગ્વિજયસિંહજીના કાર્યો આજે 'દિગ્વિજય દ્વાર' સ્વરૂપે અડીખમ ઊભા રહીને આવનારી પેઢીઓને રાષ્ટ્રભક્તિ અને સેવાના પથ પર ચાલવાની પ્રેરણા આપી રહ્યા છે. સોમનાથ અને જામ સાહેબનું આ અતૂટ અનુસંધાન ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande