
ગીર સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી સમગ્ર સોમનાથ ભક્તિમય અને શિવમય બન્યું છે. આ ભક્તિમય ઉત્સવમાં સોમનાથને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે શહેરનું વહીવટીતંત્ર અને અનેક સફાઇ કર્મચારીઓ પોતાનું અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.
સોમનાથ મહાદેવના સાંન્નિધ્યમાં જે ભક્તિનો માહોલ જામ્યો છે, તેને સ્વચ્છતાના માધ્યમથી વધુ મનમોહક બનાવવામાં શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોએ પાયાની ભૂમિકા ભજવી છે. વિવિધ નગરપાલિકાઓના સંકલન દ્વારા સ્વચ્છતાનું એક ભગીરથ કાર્ય અહીં સાકાર થઈ રહ્યું છે. વિવિધ નગરપાલિકાઓના 1000થી વધુ સફાઈકર્મીઓ આપે છે ખડેપગે સેવા.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ શહેરને સ્વચ્છ બનાવવા માટે માનવબળનું એક વિશાળ ગઠબંધન રચાયું છે. સફાઈકાર્ય માટે વેરાવળ નગરપાલિકાના 300થી વધુ તેમજ અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર અને અન્ય નગરપાલિકા વિસ્તારોના 700થી વધુ મળીને કુલ 1000થી વધુ સફાઈ કર્મયોગીઓ અહીં ખડેપગે સેવા આપી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી દિવસ-રાત જોયા વગર આ સફાઈકર્મીઓ સોમનાથ અને વેરાવળને સ્વચ્છ રાખવા માટે સતત પરસેવો પાડી રહ્યા છે.
મુખ્ય માર્ગોની સફાઈ માટે આધુનિક મિકેનાઈઝ્ડ સ્વીપિંગ મશીનો
માર્ગોની સફાઈ અને કચરો ઉપાડવા સાથે રસ્તાની આસપાસ વધારાનું ઘાસ તથા ઝાડ-પાનના છાંટણીની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. આધુનિક મિકેનાઈઝ્ડ સ્વીપિંગ મશીનો દ્વારા મુખ્ય માર્ગોની સઘન સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે ઊભા કરાયેલા રહેણાંક સ્થળો અને ભંડારાના સ્થળો પર ખાસ સફાઈ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ 40 થી વધુ મોબાઈલ ટોયલેટ (ચલિત શૌચાલય) ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ એ ભક્તિનું પાવન પર્વ છે. આ પર્વમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોય, ત્યારે શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોની આ મથામણ પ્રશંસનીય છે. તેમના અથાગ પરિશ્રમને કારણે જ સોમનાથ અને વેરાવળનું વાતાવરણ સ્વચ્છ, સુંદર અને પવિત્ર જળવાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ