વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સહભાગી થતાં નાગરિકો માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી થશે પાર્કિંગ નિયમન
સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાનો અનેરો સંગમ સર્જાયો છે. ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં સહભાગી થવા માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ટ્
નાગરિકો માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી થશે પાર્કિંગ નિયમન*


સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાનો અનેરો સંગમ સર્જાયો છે. ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં સહભાગી થવા માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ટ્રેન અને બસ મારફતે સોમનાથ પહોંચી રહ્યાં છે.

આ પર્વના અંતિમ ચરણમાં સદભાવના મેદાન ખાતે તા.૧૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંગી મેદનીને સભા સંબોધન કરશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમન તેમજ સુનિયોજીત પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા આ સભામાં અપેક્ષિત નાગરિકો માટે ૭૦૦ થી વધુ કાર પાર્કિંગ તેમજ સદભાવના મેદાન, કાજલી અને સરોવર પોર્ટિકો પાસેના મેદાનમાં એમ કુલ ત્રણ પાર્કિંગમાં ૨૦૦૦ કરતા વધુ બસનું સરળતાથી પાર્કિંગ નિયમન થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત પાર્કિંગ સ્થળોએ રાજકોટ માટે પીળો, પોરબંદર માટે જાંબલી, જૂનાગઢ માટે બ્લૂ વગેરે કલર કોડ મુજબ સાઈન એજીસ પણ લગાવવામાં આવ્યા છે. જેથી નાગરિકો માટે સરળતાથી ટ્રાફિક અને પાર્કિંગનું આયોજન થઈ શકે.

તમામ પાર્કિંગ સ્થળો પર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મેદાન સમથળ કરી, માર્કિંગ કરી અને પાર્કિંગ વ્યવસ્થામાં કોઈપણ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમજ વીજવિભાગ દ્વારા વીજવાયરો યોગ્ય કરી અને બસ તેમજ વાયર વચ્ચે સલામત અંતર જળવાય અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રખાયું છે.

વધુમાં ફરજ પરના કર્મચારીઓ અને નાગરિકો માટે પીવા માટે પાણીની વ્યવસ્થા, ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા, લાઈટિંગની વ્યવસ્થા તેમજ એનાઉન્સ માટે મંડપ, સ્પીકર અને બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ મેદાનમાં ગોઠવવામાં આવી છે પાર્કિંગ વ્યવસ્થા:

સદભાવના મેદાન ખાતે જૂનાગઢ, તાલાલા અને વેરાવળની બસનું પાર્કિંગ, કાજલી ખાતે બોટાદ, ભાવનગર, અમરેલી, સૂત્રાપાડા, ઉના, ગીરગઢડા તેમજ કોડીનારની બસનું પાર્કિંગ અને સરોવર પોર્ટિકો ખાતે રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની બસ માટે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આંગળીઓના ટેરવે ઉપલબ્ધ થશે પાર્કિંગ સ્થળનું લોકેશન:

આધુનિક યુગમાં જેમ ડિજિટલ આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. બરાબર એ જ રીતે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પાર્કિંગ સ્થળના અલગ-અલગ ક્યૂ.આર. કોડ જનરેટ કરી અને અન્ય જિલ્લાઓના પ્રતિનિધિઓને મોકલી આપવામાં આવ્યાં છે. જેથી અન્ય જિલ્લામાંથી સોમનાથ ખાતે પધારતા નાગરિકો પહેલાથી જ પાર્કિંગ લોકેશન જાણી શકશે અને મેપ દ્વારા સરળતાથી પાર્કિંગ સ્થળે પહોંચી શકશે.

આ રીતે કામ કરશે ક્યૂ.આર.સ્કેનર

અન્ય જિલ્લાના નાગરિકો જ્યારે ક્યૂ.આર.સ્કેનર સ્કેન કરશે ત્યારે સીધું મેપમાં પાર્કિંગ લોકેશન બતાવશે. જેમાં ‘ડિરેક્શન’ ટેબ પર ક્લિક કરતા જ ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ’ ટેબ અંતર્ગત લોકેશન, સમય અને પાર્કિંગ સ્થળ કેટલું દૂર છે તે સહિતની તમામ વિગતો સરળતાથી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande