
ગીર સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને અનુલક્ષીને તા. ૧૦ અને તા.૧૧ જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધારવાના છે. આ દરમિયાન શૌર્યયાત્રા તેમજ સદભાવના મેદાન ખાતે સભા સહિતના કાર્યક્રમો યોજાશે. શૌર્યસભા તથા સભા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધી વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે અને દર્શનાર્થીઓ માટે સફારી સર્કલ થઈ અને સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા સહિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. ૧૧/૦૧/૨૦૨૬ ના સવારે ૮.૦૦ કલાકેથી ૧૩.૩૦ કલાક સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓની સુગમતા હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા ડાયવર્ઝન અને વાહનોના પ્રવેશબંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર વડાપ્રધાનની જાહેર સભા અન્વયે કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક નિયમન માટે શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધી વાહનો પર પ્રવેશબંધ કરી અને સફારી સર્કલ થી અવધુતેશ્વર સામે આવલા સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગ એક્ઝિટ ગેટ થી વાહન પ્રવેશ કરી અને પાર્કિંગમાં વાહન પાર્ક કરી મંદિર સુધી પગપાળા ચાલતા દર્શન કરવા જવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૧૧/૦૧/૨૦૨૬ ના સવારે ૮.૦૦ કલાક થી ૧૩.૩૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ફરજ પરના સરકારી વાહન, મેડિકલ વાહનને લાગુ પડશે નહી તેમજ જાહેરનામાના ભંગ બદલ કલમ-૧૩૧ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ