
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) ઊંઝા પોલીસ સ્ટેશનના સ્ટાફે નોંધપાત્ર સફળતા મેળવી છે. છેલ્લા ૧૮ મહિનાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો પ્રોહીબિશનના ગુનાનો રીઢો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. ઊંઝા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર મુળજીભાઇ અને સુભાષકુમાર ચેલાભાઇને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, ઊંઝા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી સુનિલભાઇ કરશનભાઇ ઠાકોર ઊંઝા આવવાનો છે. મળેલી માહિતીના આધારે પોલીસ દ્વારા તરત જ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી વોચ ગોઠવવામાં આવી હતી.
આ આયોજન મુજબ 8 જાન્યુઆરી 2026 ના રોજ ઊંઝા હાઇવે રોડ પર મામલતદાર કચેરી પાસે આવેલા કટ પાસેથી આરોપી સુનિલ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહી પોતાના સ્થળ બદલીને ફરતો હતો.આ સફળ કામગીરી બદલ ઊંઝા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR