
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે આવેલા સ્વયંભૂ વાલ્કેશ્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસીય શિવધૂનનો શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો છે.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે સિદ્ધપુર APMC ચેરમેન વિષ્ણુ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલ જોશી, જિલ્લા સંયોજક દિલીપ જોષી, સહ સંયોજક મિહિર પાધ્યા સહિત ભાજપના હોદ્દેદારો, પાલિકા સદસ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સ્વાભિમાન પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવાનો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ શિવધૂન કાર્યક્રમમાં સિદ્ધપુર તથા આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શિવભક્તિમાં લીન બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ