
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): શહેરમાં ફરી એક વખત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસના અનેક પ્રયાસો છતાં હાલમાં પણ રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને લીધે ગંભીર અને જીવલેણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને લીધે એક યુવા હીરા વ્યવસાઈને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બાઈક ચાલકને બચાવવા જતા હીરા વ્યવસાઈ પોતાની બાઈક પરથી નીચે પટકાયો હતો અને તેજ સમય પાછળથી આવેલી સીટી બસના ટાયર તેની પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થળ પર અકસ્માતના આ દ્રશ્યો જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતા જ્યારે હીરા વ્યવસાઈના મોતને પગેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી હીરાનો વ્યવસાય કરતા હતા.આજે સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને કામ અર્થે જવા માટે નીકળ્યા હતા. તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા ખાટુંશ્યામ ડિઝાઇનર નામની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી ચઢ્યો હતો. સામેથી આવતા આ વાહન સાથેની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું અને અચાનક બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી, જેને પગલે બંને મિત્રો રોડ પર પટકાયા હતા. નિકુંજભાઈ રોડ પર પટકાયા અને તે જ સમયે બાજુમાં પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે સ્થાનિક લોકો આ દ્રશ્યો જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. જોકે રાહદારીઓ સહિતના લોકો દવારા તેમને તાતકાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, બાઈકની પાછળ બેસેલા કેતનભાઈને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે, જયારે તેમની નજર સામે જ બનેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે તેઓ આઘાતમાં સરી પડયા છે. બીજી બાજુ યુવાન હીરા વ્યવસાઈના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યો છે તેમજ અન્ય પરિચિત સહિતના હીરા વ્યવસિયોમાં પણ શોકની લાગણી ફરી વળી છે. પોલીસે અકસ્માતના આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે