
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)પાટણ તાલુકાના હાજીપુર ગામના 23 વર્ષીય ખેડૂત યુવક મેહુલ દશરથભાઈ પટણી સાથે SD Pay (અપના પે) એપ્લિકેશન મારફતે ઊંચા વ્યાજની લાલચ આપી રૂ.2,02,031ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મેહુલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા.06/09/2025ના રોજ એપ્લિકેશન અંગે માહિતી મળ્યા બાદ મેહુલે KYC સહિતની વિગતો અપલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એપમાં રોકાણ પર દરરોજ 0.15%થી 0.30% વ્યાજ અને માસિક બોનસની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં નાના ઉપાડની સુવિધા આપીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.
ત્યારબાદ મેહુલે તા.06/09/2025થી તા.16/10/2025 દરમિયાન પોતાના SBI બેંક ખાતામાંથી 33 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.2,02,031 એપમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એપનું નામ બદલી Apna Pay કરવામાં આવ્યું હતું. મે 2026થી ઉપાડ બંધ થઈ જતા ઓપરેટરોએ ટેકનિકલ ખામીના બહાના બતાવ્યા હતા. વધુ રૂ.2,000 ભરાવ્યા છતાં નાણાં ઉપડી શક્યા નહોતા અને OTP આવવાનું પણ બંધ થઈ ગયું હતું.
આ કેસમાં બાલીસણાના આકાશકુમાર પટેલના રૂ.50,000 સહિત કુલ રૂ.2,52,031ની ઠગાઈ સામે આવી છે. અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ કરાઈ હતી. હવે બાલીસણા પોલીસે એપ્લિકેશનના પ્રત્યક્ષ અને પરોક્ષ સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ