





પોરબંદર , 01 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે 77માં રાજ્યકક્ષાના વનમહોત્સવ અન્વયે
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ઓડદરમાં સર્વોદય વનનું લોકાર્પણ કર્યું
હતું. આ સર્વોદય વન 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખ રોપા
સાથે 14 હેક્ટર વિસ્તારમાં 20 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે.
વડાપ્રધાનના
જન સેવા સાધના ના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે રાજ્યના આ
25માં સાંસ્કૃતિક વનનો લોકાર્પણ પ્રસંગ
સોનામાં સુગંધ સમાન છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સર્વોદય વન લોકાર્પણ
સાથોસાથ પોરબંદર જિલ્લામાં 113
કરોડના 14 જેટલા વિવિધ વિકાસ કામોના પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે
વિનામૂલ્યે પ્લોટ તથા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય વિતરણ પણ કર્યું હતું.
વન
મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્યમંત્રી
પ્રવિણકુમાર માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા
આ ગરિમામય સમારોહમાં મુખ્યમંત્રીએ વન ઉપજ ચેકનું સંબંધીત ગ્રામ-તાલુકાને વિતરણ પણ
કર્યું હતું.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે વન મહોત્સવને પર્યાવરણ
અને વિકાસને સાથે લઈને ચાલવાનો સંકલ્પ ઉત્સવ ગણાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે
સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પર્યાવરણ સરંક્ષણની આખી
ઈકોસિસ્ટમ ઉભી કરી છે. આપણે પર્યાવરણના ભોગે નહીં પરંતુ પર્યાવરણ જતન અને સંવર્ધન
સાથેનો વિકાસ કર્યો છે.
વડાપ્રધાનએ
ધરતી માતાનું હરિયાળું કવચ વધારવા શરૂ કરાવેલી ‘વન કવચ’ અને ‘એક પેડ માં કે નામ’
યોજનાઓની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પાછલા ત્રણ વર્ષમાં રાજ્ય વ્યાપી 789 વન કવચનું 1140 સેક્ટર વિસ્તારમાં નિર્માણ થયું છે.
એટલું જ નહીં, એક પેડ મા કે નામ 3.0 કરોડ રોપાઓના લક્ષ્યાંક સાથે અત્યાર
સુધીમાં 6.9 કરોડ રોપા વાવેતર પૂર્ણ કર્યું છે.
તેમણે
ઉમેર્યું કે, વડાપ્રધાનએ પર્યાવરણ પ્રિય વિકાસ અને
ગ્રીન કવર વધારવા સાથે વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ જતન-સંવર્ધન માટે કરેલા પ્રયાસો
સફળ થયા છે. સિંહની વસ્તી વધીને 851 થઈ
છે અને વિચરણ વિસ્તાર પણ વધ્યો છે. બરડા હવે સિંહોના રહેઠાણનું સ્થળ બન્યું છે તેમ
તેમણે જણાવ્યું હતું.
આ
ઉપરાંત પાછલા બે દશકમાં રાજ્યનું ફોરેસ્ટ કવર 70.64 કિલોમીટર વધ્યું છે અને વૃક્ષ વાવેતરમાં 2596 ચોરસ કિલોમીટર, ગ્રીન કવર 2461 ચોરસ કિલોમીટર અને મેનગ્રુવ કરવામાં 253 કિલોમીટરનો વધારો થયો છે તેનો પણ
મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ
વન, વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણના જતન
સાથે વિકાસના સંવર્ધનથી વિકસિત ભારત 2047માટે વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાનો સંકલ્પ લેવા પણ સૌને આહવાન
કર્યું હતું.
વન
અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છેલ્લા 3 વર્ષમાં પોરબંદરના વિકાસકાર્યોની વાત
રજૂ કરતા જણાવ્યું હતું કે,બરડા ડુંગરમાં વર્ષ 2023માં પ્રથમ સિંહ આવ્યા બાદ હાલમાં 26 સિંહોનો વસવાટ થયો છે. જંગલ સફારી, દેવળિયા જેવા સફારી પાર્કની મંજૂરી, રૂ.200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્ય અને મેઢા
ક્રીક ખાતે બર્ડ સેન્ચ્યુરીનું આયોજન, કુછડી ખાતે આશરે રૂ.27 હજાર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય શિપ
બિલ્ડિંગ યાર્ડ, પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો તથા
અમદાવાદ-રાજકોટ-પોરબંદર સહિતના રૂ.1 લાખ કરોડના ચાર એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ
જેવી કામગીરીથી વિકાસને વેગ મળ્યો છે.
વન-પર્યાવરણ
રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ દરિયાઈ
પ્રકૃતિ, રાયણ-શરૂ સહિતના વિવિધ વૃક્ષોની
લાક્ષણિકતા, બરડા અભયારણ્યમાં જોવા મળતું દુર્લભ
વન્યપ્રાણી કીડીખાઉંનો ઉલ્લેખ કરી પોરબંદર જિલ્લાની વિશેષતા રજૂ કરી હતી.
તેમણે
વિવિધ વૃક્ષના વાવેતરથી સમૃદ્ધ 'સર્વોદય
વન'ને પોરબંદરની પ્રકૃતિમાં ઉમેરો ગણાવી
તમામ વનઅધિકારીઓ અને કર્મચારીઓને આ વન તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
77 મા
રાજ્યકક્ષાના વન મહોત્સવ નિમિત્તે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યૂઅલ માધ્યમથી પોતાનો
શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ
પ્રસંગે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે 'નમો વડ વન',
પ્રકૃતિ થી સંસ્કૃતિની વાત વણી લેતુ 'ફ્રૉમ વન ટૂ વંદન', બરડા ડૂંગરના પુનરૂત્થાનની ગાથા
વર્ણવતું 'બરડા-અ લૅન્ડસ્કેપ ઓફ હોપ', 'સ્ટેટસ સર્વે ઓફ ડૂગોંગ એન્ડ અધર મરિન
મૅમલ્સ એન્ડ ઈકોલોજીકલ એસેસમેન્ટ ઓફ સીગ્રાસ હેબિટાટ્સ એરાઉન્ડ નરારા એન્ડ
ઍડજસૅન્ટ આઈલેન્ડ્સ ગલ્ફ ઓફ કચ્છ' પુસ્તિકાનું
વિમોચન કરવામાં આવ્યું હતું અને પી.પી.પી. ધોરણે મેગા નર્સરી નિર્માણ માટે 7 કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં
હતાં.
સર્વોદય
વનના લોકાર્પણ પ્રસંગે સાંસદ જીતેન્દ્રભાઈ કણજરીયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન આડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર
મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખિરિયા તેમજ મોટી
સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya