
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર સહિત રાજ્યના વિવિધ મહાનગરોમાં આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના કારણે ફોર વ્હીલર વાહનચાલકોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. રસ્તા પર સરળતાથી કાર ચલાવતા અનુભવી અરજદારો પણ AI કેમેરા આધારિત સચોટ નિરીક્ષણ સિસ્ટમ સામે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, જેના પરિણામે ઓનલાઇન એપોઇન્ટમેન્ટનું વેઇટિંગ સતત વધી રહ્યું છે.
આરટીઓ કચેરી ખાતે ગત 15મી મેથી શરૂ કરાયેલા આ અત્યાધુનિક AI ટ્રેકના છેલ્લા ચાર માસના આંકડા દર્શાવે છે કે ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા અરજદારોમાંથી માત્ર 15 ટકા જ પાસ થઈ શક્યા છે. આ સમયગાળા દરમિયાન લેવાયેલા કુલ 3,902 ટેસ્ટમાંથી કેવળ 557 અરજદારો ઉત્તીર્ણ થયા છે.
સરખામણી કરવામાં આવે તો, ચાલુ વર્ષના જાન્યુઆરીથી 14 મે સુધીના સમયગાળામાં સરેરાશ પાસ થવાનો રેશિયો 77 ટકાથી વધુ હતો, જે AI સિસ્ટમ અમલી બનતા સીધો ઘટીને 15 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત, ફેઇલ થવાના ઊંચા પ્રમાણના કારણે રી-એપ્લાય કરનારાઓની સંખ્યા વધી છે, જ્યારે 5,505 જેટલા અરજદારો ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે કે એપોઇન્ટમેન્ટ લેનારા પૈકી 46 ટકાથી વધુ અરજદારો ગેરહાજર રહ્યા છે.
આરટીઓ તંત્રનું માનવું છે કે કેમેરા ટ્રાફિક સેન્સ અને ભૂલોનું બારીકાઈથી સચોટ નિરીક્ષણ કરતા હોવાથી પરિણામ પર અસર પડી છે. અરજદારો જો ટેસ્ટ આપતા પહેલાં ટ્રેકની કાર્યપદ્ધતિ અને નિયમોના વિડીયો વ્યવસ્થિત જોઈને આવે તો સફળતાનો દર ચોક્કસપણે સુધરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt