
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી દેશના સીમાડાઓની સુરક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દર વર્ષે ‘તા.7મી ડિસે.-સશસ્ત્ર સેના ધ્વજ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સુરતીલાલાઓએ વર્ષ 2025-26ના વર્ષ દરમિયાન રૂા.58 લાખના ફાળા સાથે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળની જોળી છલકાવી છે. જેમાં તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, ઔધોગિક એકમો, ખાનગી એકમો, શૈક્ષણિક એકમોએ ફાળામાં સૌથી વધુ ફાળો આપવા બદલ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરએ કહ્યું કે, સુરત અને સુરત જિલ્લાના નાગરિકો તેમની દાતારી અને ઉદારતા માટે જાણીતા છે. આપણે ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ના મહત્વ અને ઉદ્દેશ અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે જેટલું વધુ ભંડોળ ભેગું થશે, તેટલી જ વધુ આર્થિક મદદ આપણે તેમને પહોંચાડી શકીશું.
દેશની રક્ષા કાજે હરહંમેશ પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા સૈનિકો અને તેમના પરિવારના સુરક્ષિત જીવનનિર્વાહ માટે એક સમાજ તરીકે સૌની સહિયારી જવાબદારી છે. અને એ જવાબદારી નિભાવવા દરેક શહેરીજનો તેમજ તમામ ખાનગી-સરકારી વિભાગો, સંસ્થાઓને મહત્તમ આર્થિક યોગદાન આપી દેશના રક્ષકો પ્રત્યેનું ઋણ અદા કરવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે રૂ. 55 લાખના લક્ષ્યાંક સામે સુરતના ઉદાર નાગરિકો અને સંસ્થાઓના સહયોગથી રૂ.58 લાખનું ભંડોળ એકત્રિત કરીને લક્ષ્યાંક સફળતા રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. એ જ રીતે વર્તમાન વર્ષે પણ આપણે સૌએ ભેગા મળી રૂ.75 લાખ સુધીનું ભંડોળ ભેગું કરવા માટે પહેલ કરવી જોઈએ. તેમણે ગત વર્ષે મહત્તમ ફાળો આપેલા વિવિધ વિભાગો વિશે જણાવી અભિનંદન આપ્યા હતા અને આ વર્ષે વધુ ભંડોળ ભેગું કરવાની અપીલ કરી હતી.
જેમાં સુરત મહાનગરપાલિકાએ રૂા.12.25 લાખના ફાળા સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. બીજા ક્રમે રૂા.7.57 લાખના ફાળા સાથે મેનેજિંગ ડાયરેકટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., જયારે રૂા.6.52 લાખના ફાળા સાથે વાઇસ પ્રેસિડેન્ટ, L&T, હેવી એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ, હજીરા વર્કસ, ચોથા ક્રમે રૂા.5.16 લાખના ફાળા સાથે પોલીસ કમિશ્નરની કચેરી, પાંચમા ક્રમે રૂા.2.87 લાખના ફાળા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત અન્ય સંસ્થાઓ અને વ્યક્તિગત દાતાઓને કલેક્ટરના હસ્તે સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા. સાથે જ સુરત જિલ્લાનાં પૂર્વ સૈનિક અને તેમના પરિવારજનોનું પણ સન્માન કરાયું હતું.
આ અવસરે કલેક્ટર કચેરી ખાતે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી દિવ્યેશકુમાર મુરલીવાલા, પુનર્વસન કચેરીના સિનિયર ક્લાર્ક ધર્મેશસિંહ ખેંગાર સહિત વિવિધ અધિકારી/કર્મચારીઓ, જિલ્લા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અધિકારી/કર્મચારી હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે