



પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)અંડરગ્રાઉન્ડ કેબલ-ડીપી હટાવવાની કામગીરી દરમિયાન ઘટના; ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા
સિદ્ધપુર શહેરમાં ઝાંપલી પોળ પોલીસ લાઇન પાસે બુધવારે સવારે અંડરગ્રાઉન્ડ વીજ વાયરો નાખવાની કામગીરી દરમિયાન UGVCLના કર્મચારીને કરંટ લાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ UGVCLના કર્મચારી મોહિતભાઈ પરમાર બુધવારે સવારે આશરે 11 વાગ્યે સુપરવાઈઝર અને પોતાની ટીમ સાથે ઝાંપલી પોળ પોલીસ લાઇન પાસે અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન કેબલ અને ડીપી હટાવવાની કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન સંબંધિત વીજ વિભાગના સુપરવાઈઝર દ્વારા ઇન્ડક્શન લાઇનનો મુખ્ય કેબલ બંધ કરવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ છે. મોહિતભાઈને લાઇન બંધ હોવાનું સમજીને કેબલ અડતાં અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા.
ઘટના બાદ ટીમના અન્ય કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત મોહિતભાઈને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે માથાના ભાગે દાઝી જતા અને મણકાના ભાગે ફ્રેક્ચર જણાતા તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા.
ઘટનાને પગલે વીજ વિભાગની કામગીરીમાં બેદરકારી અંગે પણ સવાલો ઊભા થયા છે. કામ શરૂ કરતા પહેલાં વીજ લાઇન સંપૂર્ણપણે બંધ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી કે નહીં, તે અંગે તપાસ જરૂરી બની છે.
આ અંગે જવાબદાર અધિકારીઓ ને ફોન કરવામા આવતા ફોન ઉપાડવા નુ ટાળ્યું હતુ..1
જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે?
કર્મચારીને કરંટ લાગવાની ઘટનામાં વીજ લાઇન બંધ કરવાની પ્રક્રિયામાં કોઈ ચૂક થઈ હોય તો જવાબદારી કોની છે અને સંબંધિત અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.
સારવાર ખર્ચની જવાબદારી કોની?
કામ દરમિયાન કર્મચારીને ગંભીર ઈજા થતાં તેમના સારવારના ખર્ચ અંગે પણ પ્રશ્ન ઊભો થયો છે. UGVCL દ્વારા ઇજાગ્રસ્ત કર્મચારીની સારવારનો ખર્ચ તેમજ તેમના પરિવારને જરૂરી સહાય અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ