


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના NSS વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળા દરમિયાન 5,000 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્ર કરાયેલા પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે બિસ્લેરી કંપનીને સોંપવામાં આવ્યું હતું. જેના બદલામાં કંપની દ્વારા યુનિવર્સિટીને 5 બાંકડા અને 3 ડસ્ટબિન અર્પણ કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ કે. સી. પોરીયાના હસ્તે બાંકડા અને ડસ્ટબિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલસચિવ રોહિત દેસાઈ, BOM સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ યુનિવર્સિટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ, કુલસચિવ અને બિસ્લેરી કંપનીના મેનેજરે NSS વિભાગની સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરીને બિરદાવી હતી.
આ પહેલનો હેતુ યુનિવર્સિટી કેમ્પસને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવાનો છે. ડસ્ટબિનના ઉપયોગથી કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન મળશે, જ્યારે નવા બાંકડાથી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને બેસવાની સુવિધા મળશે. NSSની આ કામગીરી પર્યાવરણ સંરક્ષણ સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતી પહેલ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ