
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી રોકવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ બુધવારે મોડી સાંજે ‘કોમ્બિંગ નાઇટ’ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે અસામાજિક તત્વો અને ટ્રાફિક નિયમો તોડનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
‘કોમ્બિંગ નાઇટ’ દરમિયાન જામનગર શહેરના વિવિધ વિસ્તારો અને પ્રવેશદ્વારો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. સિટી-એ ડિવિઝનના પીઆઇ વી.એમ. ડોડિયા, પીએસઆઇ વી.આર. ધોરીયા અને પીએસઆઇ ડી.જી. રામાનુજ સહિતની સર્વેલન્સ ટીમે દરબારગઢ નાકા બહાર, પાંચ હાટડી, ઘાંચીની ખડકી, ખોજા નાકા, પવનચક્કી અને એસ.ટી. રોડ પર તપનિશ હાથ ધરી હતી.
આ ચેકિંગમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં કાળી ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને વાહનોમાં ધોકા જેવા શસ્ત્રો સાથે નીકળેલા શખ્સો સામે કાર્યવાહી કરાઈ હતી. સ્થળ પર જ 8થી વધુ બાઇક ડિટેઇન કરાયા હતા અને અનેક વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો હતો.
આ ઉપરાંત, દુકાનો બહાર અને જાહેર સ્થળોએ આડેધડ વાહનો પાર્ક કરી જમાવડો કરનારાઓ સામે પણ પોલીસ કડક થઈ હતી, જેથી કેટલાક લોકો ભાગી છૂટ્યા હતા. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત્ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt