
જુનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.)
જૂનાગઢ,તા.૧ આઈ.સી.એ.આર.-ભારતીય મગફળી અનુસંધાન સંસ્થાન (IIGR) દ્વારા આજે તેના ૪૮મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય 'કિસાન મેળા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ખેડૂત સમુદાયને સશક્ત અને મજબૂત બનાવવા માટે સમર્પિત કરાયો હતો. ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી ૪૦૦ થી વધુ ખેડૂતો આ મેળામાં આધુનિક કૃષિ ઉકેલોની માહિતી મેળવવા કૃષિ વૈજ્ઞાનિકો અને આગેવાનો સાથે જોડાયા હતા. ખેતીને આધુનિક બનાવવા માટે ૪૦ થી વધુ સંસ્થાઓ અને કંપનીઓએ અત્યાધુનિક કૃષિ ઉત્પાદનો, મશીનરી અને નવી ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું.
ધારાસભ્ય સંજય કોરડિયા એ ખેતીમાં યાંત્રીકીકરણ (મિકેનાઇઝેશન) લાવવા, પ્રિસિઝન ફાર્મિંગ અને સંકલિત ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ જણાવ્યું કે, હવે આપણે ખેતીને માત્ર આજીવિકાનું સાધન નહીં પરંતુ એક નફાકારક બિઝનેસ (ઉદ્યોગ) માં બદલવી પડશે.
વાઇસ-ચાન્સેલર, વિશ્વભારતી યુનિવર્સિટી, કોલકાતા ડૉ. પી.કે. ઘોષે જણાવ્યુ હતુ કે, હવામાન પરિવર્તન અને પ્રતિકૂળ જમીનની પરિસ્થિતિઓ સામે પાક ઉત્પાદનને વધુ મજબૂત કરવા અપીલ કરી. ખેડૂતોને મગફળીની 'ગિરનાર 4' અને 'ગિરનાર 5' જેવી બાયોફોર્ટિફાઇડ (પોષક તત્વોથી ભરપૂર) જાતો વાવવા, પાકને એફ્લાટોક્સિનથી બચાવવા, વેલ્યુ એડિશન (મૂલ્ય સંવર્ધન) કરવા અને નિકાસ વધારવા પર ભાર મૂક્યો હતો.
ICAR, JAU અને NABARD ના અધિકારીઓ શ્રી ડૉ. એસ.કે. ઝા (ADG, તેલીબિયાં અને કઠોળ), ડૉ. પી.આર. ચૌધરી (ADG, બીજ), ડૉ. એસ.કે. બેરા (નિયામક, ICAR-IIGR), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) ના સત્તાધિકારીઓ, નાબાર્ડ, ખાનગી કંપનીઓ, બિયારણ ઉત્પાદકો અને ખેડૂત આગેવાનોએ આ ભલામણોને સમર્થન આપ્યું હતું. તેમણે વૈશ્વિક હવામાનમાં થતા ફેરફારો અને એલ નિનોની સ્થિતિ વચ્ચે ખેતીને નફાકારક રાખવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં 'એલ નિનો' હવામાન ચક્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિત વરસાદ, મોડી વાવણી અને ગરમીનું મોજું આવવાની શક્યતા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ સૂકો સમયગાળો ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલુ રહી શકે છે, જે ભૂગર્ભ જળ અને પાકના ઉત્પાદન પર સીધી અસર કરશે—ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે.
આ આબોહવા પડકારોનો સામનો કરવા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને દુષ્કાળ સામે ટકી શકે તેવી વધુ ઉત્પાદન આપતી મગફળીની જાતોની સાથે ઓછા સમયમાં પાકતા ધાન્ય (બાજરી, જુવાર) અને કઠોળના પાક વાવવા,પાણી બચાવવા માટે ટપક અને ફુવારા પદ્ધતિ (Drip & Sprinkler) અપનાવો. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે છાણિયું ખાતર, કમ્પોસ્ટ અને બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવા,પાકની તંદુરસ્તીની દેખરેખ અને ચોક્કસ દવા કે પાણીની જરૂરિયાત ઓળખવા માટે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરવો.
આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સીધો વૈજ્ઞાનિક-ખેડૂત સંવાદ, ક્ષેત્ર પ્રદર્શન (Field Demonstrations), ઓનલાઈન સેમિનાર અને કિસાન એવોર્ડ સમારોહે સ્થાનિક ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સજ્જ કર્યા છે જેથી તેઓ ઉત્પાદન વધારી શકે અને પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે.એમ ડૉ. એસ.કે. બેરા, નિયામક,ICAR-IIGR, જૂનાગઢ એ અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ