
ભાવનગર, 01 ઓક્ટોબર (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ખેડૂતો પાસેથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઇન નોંધણી તા. 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2026 સુધી કરવામાં આવશે. પાકની ખરીદી તા. 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા ડાંગર કોમનનો ટેકાનો ભાવ રૂ.2,441, ડાંગર ગ્રેડ-એનો રૂ.2,461, મકાઈનો રૂ.2,410 અને બાજરીનો રૂ.2,900 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. બાજરી ઉપરાંત રૂ.300નું બોનસ મળશે. જુવાર હાઇબ્રિડનો ભાવ રૂ.4,023, માલદંડીનો રૂ.4,073 અને રાગીનો રૂ.5,205 પ્રતિ ક્વિન્ટલ રહેશે. જુવાર તથા રાગી પર પણ રૂ.300 પ્રતિ ક્વિન્ટલનું બોનસ આપવામાં આવશે.
ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે થશે. નોંધણી માટે આધારકાર્ડ, અધ્યતન ગામ નમુનો, 7/12, 8-અની નકલ, પાક વાવણીની એન્ટ્રી ન હોય તો તલાટીનો દાખલો, બેન્ક ખાતાની વિગતો તથા પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે. નોંધણી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનથી જ થશે.
નોંધાયેલા ખેડૂતોને ખરીદી અંગે SMSથી જાણ કરવામાં આવશે. ખરીદી વખતે આધારકાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખોટા દસ્તાવેજ અપલોડ થયાનું જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA