




કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ખેતીની જમીનનો બિનખેતી પરવાનગી વિના ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી ચાલી રહેલા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાના પગલે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ મદદનીશ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સ્થળ પર અચાનક તપાસ કરી હતી.
તપાસ દરમિયાન નારણસરીની સીમમાં ચાલી રહેલા રેતી વોશિંગ પ્લાન્ટ પર જરૂરી બિનખેતી પરવાનગી વિના ખેતીની જમીનનો ઔદ્યોગિક ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પર તપાસ કરતાં વિવિધ પ્રકારની ભારે મશીનરી અને વાહનો મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન, ચાર ડમ્પર, 22 વ્હીલ ટ્રક અને એક કોંક્રિટ મિક્સર સહિત કુલ સાત વાહનો અને મશીનરીને સીઝ કરવામાં આવી હતી.
વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા વાહનો અને મશીનરીની અંદાજિત કિંમત આશરે રૂ. 3 કરોડ હોવાનું જણાવાયું છે. ખનિજ સંબંધિત નિયમોના ભંગ બદલ જપ્ત કરાયેલા વાહનો સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવા ખાણ-ખનીજ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈન લિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 હેઠળની કાર્યવાહી માટે તમામ વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન નંબર પ્લેટ વિનાની તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી એક કાર પણ મળી આવી હતી. આ કાર સામે મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે આરટીઓ અને પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે.
ખેતીની જમીનનો કાયદેસર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મુદ્દે જમીન મહેસૂલ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નારણસરીમાં થયેલી આ સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદે રીતે ખનિજ આધારિત પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં તંત્રની કડક કાર્યવાહીનો સંદેશ પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar