
ભાવનગર, 01 ઓક્ટોબર (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ અને મહિલાઓ સહિતના લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત સભા ખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘પોષણ ઉત્સવ-2026’ યોજાયો હતો.
ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બહેનો વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોએ ટેક હોમ રાશન (THR) અને મિલેટમાંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. વાનગીઓ દ્વારા પોષણયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા બહેનોને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ વિવિધ કૃતિઓ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લામાં આયોજિત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનો મુખ્ય હેતુ ટેક હોમ રાશન, મિલેટ અને સરગવા જેવા પોષક તત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. રોજિંદા આહારમાં સ્થાનિક અને પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય તે માટે મહિલાઓ અને પરિવારોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી અધ્યક્ષ પ્રદીપભાઈ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન, સદસ્યો હર્ષાબેન અશોકભાઈ આહિર અને ચન્દ્રાબા કે. ગોહિલ, આગેવાન ભોજાભાઈ ડાંગર સહિત આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓ., જિલ્લા ખેતીવાડી અધિકારી અને આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA