રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા ટોળકી સામે કાલાવડમાં જમીન પચાવી પાડવાના બે અલગ-અલગ ગુના નોંધાયા
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે કાલાવડ પંથકના બે ખેડૂતોને ઊંચા વ્યાજે નાણાં આપી કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેવાના ગંભીર આરોપો હેઠળ કાલાવડ ગ્રામ્ય અને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફર
વ્યાજ


જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે કાલાવડ પંથકના બે ખેડૂતોને ઊંચા વ્યાજે નાણાં આપી કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેવાના ગંભીર આરોપો હેઠળ કાલાવડ ગ્રામ્ય અને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. નાણાકીય ભીંસનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદે નાણાં ધીરધાર આચરી બળજબરીપૂર્વક જમીન પોતાના નામે કરાવી લેનાર આ ટોળકી સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા ખેડૂત પરેશ સોજીત્રા નાણાકીય મુશ્કેલીમાં હોવાથી અલ્પેશ દોંગાએ તેને રૂ. ૨૦ લાખનું ગેરકાયદે ધીરાણ માસિક ૨.૫% ના ઊંચા વ્યાજે આપ્યું હતું. આ નાણાંના બદલામાં આરોપીઓએ ખેડૂતનો વિશ્વાસઘાત કરી તેની ૧૪ વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. બાદમાં જમીન પરત કરવાના નામે અક્ષિત પટેલ, વાઘુ ડાંગર અને રણજીત જળુ સહિતના શખ્સોએ ચેક અને રોકડા મળી કુલ રૂ. ૧,૨૫,૫૦,૦૦૦ ની માતબર રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. નાણાં અને જમીન મેળવી લીધા બાદ પણ આ ટોળકી દ્વારા ખેડૂતને અવારનવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અલ્પેશ દોંગા, અક્ષીત અકબરી, આકાશ ડાંગર, વાધુ ડાંગર અને રણજીત જળુ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને પઠાણી ઉઘરાણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસની તપાસ કરી રહ્યા છે.

બીજા બનાવમાં કાલાવડના હરિપર (ખંઢેરા) ગામના ખેડૂત જમન વસોયાએ પોતાના પુત્રના ધંધા માટે નાણાંની જરૂર પડતાં શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગાનો સંપર્ક કર્યો હતો. અલ્પેશ દોંગાએ ખેડૂતની ૧૫.૧૯ વીઘા જમીન ધર્મેન્દ્ર ઠેસિયા અને નાગજી નસિતના નામે કરાવી લઇ તેના બદલામાં ૨.૭૫% ના વ્યાજે રૂ. ૧૨.૮૦ લાખનું ધીરાણ આપ્યું હતું. ખેડૂતે ઓગસ્ટ-૨૦૨૨ થી જુલાઈ-૨૦૨૩ દરમિયાન વ્યાજ સહિત કુલ રૂ. ૧૬.૮૭ લાખ ચુકવી આપ્યા હતા.

મૂળ રકમ અને વ્યાજ પૂરેપૂરું વસૂલ કરી લીધા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ રદ કરી માલિકી પરત સોંપવામાં બહાનાબાજી શરૂ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ખેડૂત અને તેના પુત્ર પર જમીનનો કબજો ખાલી કરવા માટે સતત દબાણ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ખેડૂતને ટાંટિયા ભાંગી નાખવાની, ગાડી માથે ચડાવી દેવાની તેમજ જમીન ખાલી ના કરે તો લેન્ડ ગ્રેબિંગનો ખોટો કેસ કરવાની ધમકીઓ આપી હતી.

આ બનાવ અંગે જમન વસોયાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા, ધર્મેન્દ્ર ઠેસિયા અને નાગજી નસિત સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ટાઉન પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરીના આ બંને કિસ્સાઓએ કાલાવડ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande