
- 50 થી વધુ આદિવાસી કલાકારોના 40 સ્ટોલ્સ પર પરંપરાગત હસ્તકલા, ગૃહસુશોભન, શુદ્ધ ઔષધિઓ અને પૌષ્ટિક વાનગીઓનું આકર્ષક પ્રદર્શન-વેચાણ
અમદાવાદ,12 ઓકટોબર (હિ.સ.) અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહ અને ઉમંગના પર્વ “વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ–2026” નું ગત 11 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા આદિવાસી કલા, સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહિત કરતો વિશેષ ‘આદિ રંગ હાટ’ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ‘આદિ રંગ હાટ’ મુલાકાતીઓ, ખેલૈયાઓ અને કલાપ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે અને તેને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.
આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (TRI), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ‘આદિ રંગ હાટ’માં રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાંથી આવેલા 50 થી વધુ હસ્તકલાકારો અને વૈદુ ભગતો દ્વારા કુલ 40 સ્ટોલ્સ કાર્યરત છે. જેમાં પરંપરાગત આદિવાસી હસ્તકલા, ગૃહસુશોભનની આકર્ષક વસ્તુઓ, પરંપરાગત ઔષધીય દવાઓ, આદિવાસી સંસ્કૃતિની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓને પ્રદર્શન તેમજ વેચાણ અર્થે મૂકવામાં આવી છે.
ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી તથા ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવોએ ‘આદિ રંગ હાટ’ના વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કલાકારો અને વૈદુ ભગતો સાથે સહજતાથી વાર્તાલાપ કરીને તેમની કલા, ઔષધીય જ્ઞાન અને મહેનતને બિરદાવી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, અમદાવાદના મેયર, સાંસદ, ધારાસભ્યઓ, TRI ના કાર્યપાલક નિયામક ડૉ સી.સી.ચૌધરી સહિતના અગ્રણી મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ