જેતપુર નજીક સોલાર પ્લાન્ટમાંથી રૂ.12.48 લાખના કેબલની ચોરી: બોલેરોમાં આવેલા તસ્કરો કેમેરામાં કેદ
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી 12.48 લાખની કિંમતનો 16 હજાર મીટર સોલાર ડીસી કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે સ્ટાફ સુઈ ગયા બાદ આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે
પોલીસ ચોરી ફરિયાદ


રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી 12.48 લાખની કિંમતનો 16 હજાર મીટર સોલાર ડીસી કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે સ્ટાફ સુઈ ગયા બાદ આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાતા પોલીસ અને એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ચોરીના બનાવ અંગે બગસરાના ગોકુળપરા ખાતે રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રોહિત ભરતભાઈ હિરપરા નામના યુવાને ફરીયાદ નોંધાવી છે. રોહિતભાઈ થાણાગાલોલ ગામની સીમમાં ગાંડુભાઈ બુટાણીની જમીનમાં આવેલ 'એમબીટ એનર્જી' કંપનીના સોલાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ સંભાળે છે. બપોરના સમયે દિલીપ વસાવા નામના કર્મચારીએ ફોન કરીને સોલાર પ્લાન્ટની દીવાલ પાસે રાખેલા કેબલના ડ્રમ ઓછાં હોવાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ રોહિતભાઈ તુરંત જ થાણાગાલોલની સાઈટ પર દોડી આવ્યા હતા. તેમણે સ્થળ પર તપાસ કરતા માલૂમ પડ્યું કે, દીવાલ પાસે કેબલના કુલ 20 ડ્રમ રાખવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 4 ડ્રમ જ પડ્યા હતા અને બાકીના 16 ડ્રમ ગાયબ હતા. આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો મળ્યો ન હતો. ચોરી થયેલા દરેક ડ્રમમાં 6 સ્કવેર એમ.એમ.નો આશરે 1000 મીટર કેબલ હતો, જેની એક ડ્રમદીઠ કિંમત ₹78,000 લેખે કુલ ₹12.48 લાખનો કેબલ ચોરાયો હતો.

પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા મોડી રાત્રે એક બોલેરો ગાડી સોલાર પ્લાન્ટ તરફ જતી નજરે પડી હતી. આ પરથી આશંકા સેવાઈ રહી છે કે, ચોર ટોળકી બોલેરો વાહન લઈને આવી હતી અને કિંમતી કેબલના ડ્રમ વાહનમાં લોડ કરીને રાત્રિના અંધારામાં નાસી છૂટી હતી. પ્લાન્ટનો સિક્યોરિટી કે સિવિલ સ્ટાફ સુઈ ગયો હોવાનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો.

ઘટના સંદર્ભે જેતપુર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમો પણ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તસ્કરોનું પગેરું મેળવવા અને ચોરાયેલો મુદ્દામાલ કબજે કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande