
જુનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી કેશોદ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા નિર્મિત આ ગ્રામ હાટ સ્થાનિક સખી મંડળની બહેનોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરું પાડશે.
ઉલ્લેખનીય છે કે, તા.૧૦ ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૧૩૬ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે તા. ૧૧ ઓક્ટોબરના રોજ કેશોદ તાલુકાના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ગ્રામ હાટમાં કેશોદ તાલુકાનાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. સ્વસહાય જૂથોને આ ગ્રામ હાટ ૧૫ દિવસના રોટેશનના આધારે વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ વ્યવસ્થાથી બહેનોને પોતાનાં ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાની તક મળવાની સાથે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરવા, આકર્ષક પેકેજિંગ તૈયાર કરવા અને માર્કેટિંગનાં કૌશલ્યો વિકસાવવાની તક પણ મળશે. પરિણામે, ગ્રામ્ય મહિલાઓને પોતાની આવક વધારવા અને આર્થિક રીતે વધુ સક્ષમ બનવા માટે પ્રોત્સાહન મળશે.
ગ્રામ હાટના શુભારંભ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર પી.એ. જાડેજા, જિલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી બળવંતભાઈ સુંધરવા અને તાલુકા વિકાસ અધિકારી ઠુંમર, તાલુકા પંચાયતના સદસ્યઓ, અન્ય હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ