જૂનાગઢ જિલ્લાની 33171 દીકરીઓને વર્ષ 2026-27માં મળશે રૂ. 50,000 સુધીની આર્થિક સહાયનો સીધો લાભ
જૂનાગઢ જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધોરણ ૯ થી ૧૨ની ૩૩,૧૭૧ વિદ્યાર્થિનીઓની નોંધણી પ્રક્રિયા પૂર્ણ: માતાના બેંક ખાતામાં DBT મારફતે જમા થશે સહાય જુનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને વેગ આપવા અને દીકરીઓ
જૂનાગઢ જિલ્લાની 33171 દીકરીઓને વર્ષ 2026-27માં મળશે રૂ. 50,000 સુધીની આર્થિક સહાયનો સીધો લાભ


- જૂનાગઢ જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધોરણ ૯ થી ૧૨ની ૩૩,૧૭૧ વિદ્યાર્થિનીઓની નોંધણી પ્રક્રિયા પૂર્ણ: માતાના બેંક ખાતામાં DBT મારફતે જમા થશે સહાય

જુનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને વેગ આપવા અને દીકરીઓનું શિક્ષણ અધવચ્ચેથી અટકે નહીં તે માટે 'નમો લક્ષ્મી યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન જૂનાગઢ જિલ્લાની કુલ ૩૩,૧૭૧ દીકરીઓને આર્થિક સહાયનો સીધો લાભ મળવાપાત્ર થશે.

આ સંદર્ભે વધુ વિગત આપતા શિક્ષણ નિરિક્ષક રણવીરસીંહ પરમારે જણાવ્યું હતું કે, નમો લક્ષ્મી યોજના એ રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી આર્થિક સહાય યોજના છે. આ યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થિનીને કુલ રૂ.૫૦,૦૦૦ ની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ ૯ અને ૧૦ માટે દર મહિને રૂ.૫૦૦ (૧૦ મહિના માટે રૂ. ૫,૦૦૦/વર્ષ) અને ધોરણ ૧૦ પાસ કરવા પર વધારાના રૂ.૧૦,૦૦૦ મળીને કુલ રૂ.૨૦,૦૦૦ ની સહાય મળે છે. તેવી જ રીતે, ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ માટે દર મહિને રૂ.૭૫૦ (૧૦ મહિના માટે રૂ.૭,૫૦૦/વર્ષ) અને ધોરણ ૧૨ પાસ કર્યા બાદ બાકીના રૂ.૧૫,૦૦૦ મળીને કુલ રૂ.૩૦,૦૦૦ ચૂકવવામાં આવે છે. સહાયની આ રકમ આધાર-આધારિત ચુકવણી પદ્ધતિથી વિદ્યાર્થિનીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને શાળામાં તેમની હાજરીના આધારે ચૂકવાય છે.

જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ ૯ થી ૧૨ ની ૩૩,૧૭૧ વિદ્યાર્થિનીઓ માટે આ નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માં નોંધાયેલ આંકડા મુજબ, ધોરણ ૯ માં ૯,૬૯૪, ધોરણ ૧૦ માં ૮,૮૯૧, ધોરણ ૧૧ માં ૭,૩૫૮ અને ધોરણ ૧૨ માં ૭,૨૨૮ મળીને કુલ ૩૩,૧૭૧ દીકરીઓ આ યોજનાનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ સરાહનીય પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવામાં આર્થિક ટેકો મળે છે. જેથી તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી સમાજમાં સ્વાવલંબી અને સશક્ત બની શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande