
જુનાગઢ 12 ઓક્ટોબર (હિ.સ.) વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બરડીયા દ્વારા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનોની આરોગ્ય તપાસણી સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગોનું સ્ક્રિનિંગ, નિદાન અને સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પનો નાની મોણપરી ઉપરાંત, ખીજડિયા, ઘંટીયાણા સહિતનાં આસપાસનાં ગામોના લોકોએ પણ લાભ લીધો હતો. કેમ્પમાં એલોપથીક સારવારની સાથે આયુર્વેદિક નિદાન અને સારવારની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો.
આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. કશ્યપ ટાંક, ડૉ. લીંબાણી, ડૉ. હેતલ વાઘેલા, ડૉ. બાલસ તથા આરોગ્યકર્મી શકીલ બેલીમ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ