
જામનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર નજીક કનસુમરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ કોપેક્સ કારખાના પાસે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક વર્ના કારમાંથી વિદેશી દારૂની 426 બોટલ તથા ચપલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 85,200નો દારૂ અને રૂ. 5 લાખની કાર મળી કુલ રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થળ પરથી બે શખ્સોની અટકાયત કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર અન્ય ચાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા કાર્યવાહી ચાલી રહી છે. લાલપુર વિભાગના એ.એસ.પી. પ્રતીભાના માર્ગદર્શન હેઠળ પંચકોશી 'બી' ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
આ પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે કનસુમરા જી.આઈ.ડી.સી. રોડ પર કોપેક્સ કારખાના સામે વર્ના કારમાં દારૂનો જથ્થો રાખી બે શખ્સો ઊભા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી કારની ડીકી તપાસતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે GJ-12-DG-2581 નંબરની વર્ના કારમાંથી વિદેશી દારૂ તથા ચપલા મળી કુલ 426 બોટલ (કિંમત રૂ. 85,200) અને રૂ. 5 લાખની કાર જપ્ત કરી હતી. આ કામગીરી દરમિયાન નાઘેડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા આશિફ કાસમ કાટલીયા (ઉ.વ. 30) તથા ગોકુલનગરના શિવમનગરમાં રહેતા અને મજૂરી કરતા અરજણ એભા ભારવાડીયા (ઉ.વ. 26)ની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન દારૂ સપ્લાય કરનાર નાઘેડીના રામ ઉર્ફે રામકો મેર જીવા મોઢવાડીયા અને લાખાબાવળના ભરત સાજન ગઢવી તેમજ દારૂ મંગાવનાર ગોકુલનગરના દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા રામસંગ જાડેજા અને રાજ ધોકીયાના નામો ખુલતા તેમની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt