



- મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ વચ્ચે ઘરઆંગણે શેરી ગરબા તરફ ખેલૈયાઓનો વધતો ઝુકાવ
- કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના પરિવારો વચ્ચે પ્રાંતના ભેદ ભૂલી એકતાનો સંદેશ
ભરૂચ, 12 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ નંદેલાવની બુસા સોસાયટીમાં વર્ષોથી બુસા ઉત્સવ મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય આશય આપણી દીકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથેની ભાવના સાથે માતાજીની આરાધના કરવાનો છે. વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો એક જ આંગણે ભેગા થઈ ગરબે ઘૂમે છે. કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના પરિવારો વચ્ચે પ્રાંતના ભેદ ભૂલી એકતાનો સંદેશ આપવામાં આવે છે.ગરબા રમતા ખેલૈયાઓની સાથે ગરબા નિહાળતા શ્રેષ્ઠ પ્રેક્ષકોને પણ રોજ ઇનામ અપાય છે.
માતાજીની આરાધનામાં વિશેષ ભાગ લેતી મહિલાઓને અંતિમ દિવસે ક્વીન ઓફ ગરબાનું સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. માત્ર ગરબા નહીં, પરંતુ મહિલાઓની પ્રતિભા અને ભક્તિને બિરદાવતું બુસા ઉત્સવ મંડળનું આયોજન છે. નવરાત્રીની આઠમના દિવસે 70 વર્ષથી વધુ વયના વડીલોનું સાલ ઓઢાડી અને ભેટ આપી સન્માન કરાઈ છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે નવી પેઢી સુધી સંસ્કાર પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મોંઘવારીના સમયમાં ઘરઆંગણે જ ગરબા, પરિવારની સાથે સુરક્ષિત માહોલમાં માતાજીની આરાધના કરી સંગઠન ભાવના ઉજાગર થઈ રહી છે. પાસની મર્યાદા નહીં, પ્રેમ અને એકતાથી જોડાયેલા પરિવારો, શેરી ગરબા બન્યા સામાજિક એકતાનું પ્રતીક. બુસા સોસાયટીના શેરી ગરબામાં ભક્તિ, પરંપરા, પ્રોત્સાહન અને સામૂહિક ઉજવણીનો સમન્વય જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ