
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.): DAY-NRLM યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલા સહિતની ચીજવસ્તુઓના વેચાણ અને બજાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના હેતુથી બારડોલી બસ સ્ટેશન ખાતે નિર્મિત ગ્રામ હાટનું ઉદ્દધાટન સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીના, તાલુકા પંચાયત પ્રમુખ મયૂરભાઈ રાઠોડ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતના નિયામક એમ. બી. પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ હાટની સ્થાપના ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા ઉપરાંત સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ હાટના માધ્યમથી સ્વસહાય જૂથોની બહેનોને પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માટે સુવિધાજનક પ્લેટફોર્મ મળશે. પરિણામે, તેમના ઉત્પાદનોની બજાર સુધી પહોંચ વધશે તેમજ આવકમાં વૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી તકો ઊભી થશે.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, મોટી સંખ્યામાં સખી મંડળોની બહેનો તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ ગ્રામીણ મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે