કરીયાવરની ભૂખ : લગ્નના સાત જ મહિનામાં મોરબીમાં રાજકોટની પરિણીતા પર પતિ, દિયર અને નણંદનો બેફામ અત્યાચાર
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : મોરબીના લાયન્સ નગરમાં રહેતી અને રાજકોટ માવતર ધરાવતી 24 વર્ષીય નવવધૂ પર લગ્નના સાત જ મહિનામાં સાસરિયાઓએ કરીયાવર બાબતે શારીરિક-માનસિક ત્રાસ ગુજારી બેફામ માર મારતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ
હુમલો


રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : મોરબીના લાયન્સ નગરમાં રહેતી અને રાજકોટ માવતર ધરાવતી 24 વર્ષીય નવવધૂ પર લગ્નના સાત જ મહિનામાં સાસરિયાઓએ કરીયાવર બાબતે શારીરિક-માનસિક ત્રાસ ગુજારી બેફામ માર મારતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના થોરાળા વિસ્તારમાં માતા નયના અને પિતા રાજેશ ચાવડાના ઘરે આવેલી ધારાબેન જયેશભાઈ રહેશીયા નામની પરિણીતાને ઢોરમાર મરાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાઈ છે. ધારાબેનના લગ્ન સાત મહિના પહેલા જ મોરબીના લાયન્સ નગરમાં રહેતા જયેશ પુંજાભાઈ સાથે થયા હતા. ગત તારીખ 9ના રોજ રાત્રિના સુમારે પતિ જયેશ, દિયર કિરણભાઈ તથા નણંદે એકસંપ થઈ ધારાબેનને તું કરીયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી મેણાં-ટોણાં મારી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો.

ધારાબેનના માતા નયનાબેને આક્રોશ સાથે જણાવ્યા મુજબ, દીકરી ધારાની સગાઈ સામાજિક રીત-રિવાજ મુજબ જયેશ સાથે નક્કી કરવામાં આવી હતી. જોકે, બાદમાં કોઈ કારણોસર સગાઈ તોડવાની વાતો વહેતી થઈ હતી. એ સમય દરમિયાન જયેશ ધારાને પોતાની સાથે લઈ ગયો હતો અને બંનેએ કોર્ટમેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ થોડો સમય સારી રીતે વિત્યા પછી સાસરિયાઓએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું.

સાસરિયાઓ અવારનવાર ધારાબેનને કરીયાવર ઓછો લાવવા બાબતે ત્રાસ આપતા હતા અને અગાઉ પણ તેણી સાથે મારકૂટ કરવામાં આવી હતી. તારીખ 9મીના રોજ ફરીથી થયેલા હુમલા અને અસહ્ય મારથી ત્રસ્ત થઈને ધારાબેન પોતાના માવતરે રાજકોટ આવી પહોંચી હતી. ગત સાંજે શરીરે સખત દુઃખાવો ઉપડતાં પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેની ગંભીર સ્થિતિ જોઈ દાખલ કરી લીધી હતી.

હોસ્પિટલ સ્ટાફે આ મામલે પોલીસ કેસ જાહેર કરી હોસ્પિટલ ચોકીને જાણ કરી હતી. જેના આધારે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મોરબી એ-ડિવિઝન પોલીસ મથકને આ અંગે સત્તાવાર જાણ કરી છે. સાત જ મહિનાના ટૂંકા ગાળામાં નવવધૂ પર થયેલા આ અત્યાચારના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે અને હાલ મોરબી પોલીસે પતિ, દિયર તથા નણંદ સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande