
સુરત/અમદાવાદ, 12 ઓકટોબર (હિ.સ.) : મોટા વરાછાની ચુંદડી રેસ્ટોરન્ટ અને મૌસમ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ સ્વચ્છતા તથા પારદર્શક વ્યવસ્થાનું નિરીક્ષણ નહીં, પરંતુ પ્રશંસા કરવા પહોંચ્યા પ્રફુલ પાનશેરીયા. તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે માત્ર સરકારી ગાઈડલાઈનનું પાલન જ નહીં, પરંતુ પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વચ્છતા, ગુણવત્તા અને પારદર્શકતાને પ્રાથમિકતા આપતા રેસ્ટોરન્ટ સંચાલકો અન્ય માટે પ્રેરણારૂપ બની શકે છે. આ જ ભાવનાને પ્રોત્સાહન આપવા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલઈ પાનશેરીયાએ સુરતના મોટા વરાછા સ્થિત ચુંદડી રેસ્ટોરન્ટ તેમજ મૌસમ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.
રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરતાં મંત્રીએ સ્વચ્છતા અને પારદર્શકતાને વ્યવસાયનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.
રેસ્ટોરન્ટમાં રસોડાની સ્વચ્છતા જાળવવા ઉપરાંત કિચનમાં CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને તેની ડિસ્પ્લે એવી રીતે રાખવામાં આવી છે કે ગ્રાહકો પણ ભોજન બનાવવાની પ્રક્રિયા જોઈ શકે. આ વ્યવસ્થાથી રસોડામાં કેવી રીતે ભોજન તૈયાર થાય છે તે અંગે ગ્રાહકોને પારદર્શકતા મળે છે અને તેમનો વિશ્વાસ મજબૂત બને છે.
આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં કયા બ્રાન્ડની ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ થતો હોવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યાં છે. સાથે જ એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી સ્પષ્ટ માહિતી દર્શાવતા બોર્ડ પણ મૂકવામાં આવ્યાં છે.
ગ્રાહકોને ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે સ્પષ્ટતા મળી રહે તે દિશામાં કરવામાં આવેલી આ પહેલની મંત્રીએ પ્રશંસા કરી હતી.રેસ્ટોરન્ટ માલિકને ચુંદડી ઓઢાડી સન્માનિત કરી અન્ય સંચાલકોને આરોગ્ય મંત્રીએ પ્રેરણા આપી.
ખાસ નોંધનીય બાબત એ છે કે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા આ મુલાકાત દરમિયાન કોઈને દબાણમાં લેવા કે તપાસના હેતુથી નહીં, પરંતુ સ્વચ્છતા અને પારદર્શકતા માટે સ્વયં પહેલ કરનારા રેસ્ટોરન્ટ સંચાલકોની કામગીરીને બિરદાવવા પહોંચ્યા હતા. મંત્રીએ રેસ્ટોરન્ટના માલિકનું ચુંદડી ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમની આ પહેલને અન્ય રેસ્ટોરન્ટ સંચાલકો માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક રેસ્ટોરન્ટમાં રસોડું સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી રસોડાની કામગીરી ગ્રાહકો જોઈ શકે તેવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી ગ્રાહકોને પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વિશ્વાસ રહે. દરેક રેસ્ટોરન્ટ સંચાલક પોતાની જવાબદારી સમજીને આવી વ્યવસ્થાઓ અપનાવે તે જરૂરી છે.
સુરતથી શરૂ થયેલી પહેલ ગુજરાતભરમાં પ્રેરણા બને તેવો અનુરોધ
સ્વચ્છ રસોડું અને પારદર્શક ભોજન વ્યવસ્થાની આ પહેલને સુરતથી આગળ વધારી ગુજરાતભરના રેસ્ટોરન્ટ્સ સુધી પહોંચાડવાની ભાવના વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ અન્ય સંચાલકોને પણ કિચનમાં CCTV કેમેરા ગોઠવવા, ગ્રાહકોને રસોડાની સ્વચ્છતા દેખાય તેવી વ્યવસ્થા કરવા અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
આ પહેલનો હેતુ માત્ર નિયમોનું પાલન કરાવવાનો નથી, પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકોમાં નૈતિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. એક રેસ્ટોરન્ટની સારી કામગીરી જોઈને અન્ય સંચાલકો પણ પ્રેરિત થાય અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા તથા પારદર્શકતાની સંસ્કૃતિ વિકસે, એ જ આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ