દમણગંગા નદી પર રૂ. 159.50 કરોડનાં ખર્ચે ‘દમણગંગા બેરેજ યોજના’નું કામ ટૂંક સમયમાં શરૂ થશે
ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ જિલ્લાના રહેવાસીઓ માટે એક આનંદનાં સમાચાર છે. દમણગંગા નદી પર બનનારી‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં છેવાડાનાં માણસ સુંધી સિંચાઇ અને પીવાનું પાણી
દમણગંગા બેરેજ યોજના


દમણગંગા બેરેજ યોજના


ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ જિલ્લાના રહેવાસીઓ માટે એક આનંદનાં સમાચાર છે. દમણગંગા નદી પર બનનારી‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં છેવાડાનાં માણસ સુંધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર રૂ. 159.50 કરોડનાં ખર્ચે આ યોજના ઝડપથી આગળ વધી રહી છે અને આ યોજનાની કામગિરી ટૂંક સમયમાં જ શરૂ થશે.

દક્ષિણ ગુજરાતનાં આદિજાતિ વિસ્તારમાં આકાર પામનારી આ આ મહાત્વાકાંક્ષી યોજના થકી વલસાડ જિલ્લામાં સિંચાઈની સુવિધા વધશે. ભૂગર્ભજળ રિચાર્જ થશે અને જળસંચયનું કામ થશે.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાનાં નામધા ગામ નજીક દમણગંગા નદી પર ‘દમણગંગા બેરેજ યોજના નિર્માણ પામશે. આ સ્થળ હાલના વાપી વિયરથી આશરે 3 કિલોમીટર ડાઉનસ્ટ્રીમમાં આવેલું છે. આ બેરેજ યોજનાની કુલ જળ સંગ્રહ ક્ષમતા 5.49 મિલિયન ઘન મીટર (MCM) હશે.

વાપી નજીક સૂચિત દમણગંગા બેરેજથી સિંચાઈ અને ભૂગર્ભજળ રિચાર્જ ઉપરાંત પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત, ખારાશ નિયંત્રણ અને સામાજિક-આર્થિક વિકાસ સહિત અનેકવિધ લાભો મળવાશે.

549 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે

આ પ્રોજેક્ટનો મુખ્ય લાભ સિંચાઈ ક્ષેત્રે થશે. દમણગંગા બેરેજથી આશરે 549 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. સંગ્રહિત પાણી લિફ્ટ સિંચાઈ વ્યવસ્થા મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી નામધા, ચંદોર, મોહન, એકલહારે, નહુલી અને જાંબુરી એમ છ ગામોને લાભ થશે.

પ્રેશરાઇઝ્ડ સિંચાઈ વ્યવસ્થા મારફતે હાલમાં સિંચાઈની સુવિધાથી વંચિત ખેતીલાયક જમીનના નોંધપાત્ર હિસ્સાને તાત્કાલિક લાભ મળી શકશે.

ખેતરોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોની આવકમાં વધારો થશે. ખેડૂતોને આખુ વર્ષ સિંચાઈ માટે પાણી મળવાથી ખેડૂતો વર્ષમાં બે કે, તેથી વધુ પાક લઈ શકશે, જેનાથી તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.

વાપી માટે ઔદ્યોગિક અને સ્થાનિક પાણીની ઉપલબ્ધતા વધશે

થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે ઔદ્યોગિક શહેર વાપીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યો છે અને તેના વિકાસને વેગ આપવા માટે વિવિધ પગલાઓ લીધા છે. વાપી મહાનગરપાલિકા થવાથી શહેરની વસ્તી પણ વધશે અને તેની પાણીની જરૂરિયાત પણ વધશે. વાપી શહેરની ભવિષ્યની પાણીની જરૂરિયાતને જોતા આ બેરેજ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે.

બેરેજ પ્રોજેક્ટથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોની ઔદ્યોગિકની પાણીની જરૂરિયાતો માટે પણ પાણીની ઉપલબ્ધતા મળશે.

વર્ષ 2024-25નાંઆંકડાઓ મુજબ વાપી વિયર મારફતે GIDC-વાપીને ઔદ્યોગિક ઉપયોગ માટે 19 MCM, પાણી પુરવઠા માટે 7.30 MCM અને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 MCM પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. તેનાથી કુલ રૂ. 69.15 કરોડની આવક થઈ હતી. સૂચિત બેરેજના કારણે વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી થતાં બિન-કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગમાં વધારો થશે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને વધારાની આવક પણ મળશે.

ભૂગર્ભજળ સંચયને વેગ મળશે

આ પ્રોજેક્ટનો અન્ય મહત્વપૂર્ણ લાભ ભૂગર્ભજળ સંચયનો રહેશે. બેરેજથી ઉપરવાસમાં આશરે 3.5 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થશે, જેના કારણે વાપી શહેરમાં આવેલા હાલના ટ્યુબવેલ્સને ભૂગર્ભજળ રિચાર્જનો લાભ મળશે.

આનાથી ભૂગર્ભજળની ગુણવત્તા અને જમીનની સ્થિતિમાં સુધારો થવાની સાથે ઘરેલુ ઉપયોગ માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને વાપીના ભવિષ્યના વિકાસને પણ ટેકો મળશે.

બેરેજની રચના દરિયાની ભરતીના પાણીના પ્રભાવને નિયંત્રિત કરવા અને નદીના પટમાં ખારાશનું પાણી પ્રવેશતું અટકાવવા માટે પણ કરવામાં આવી છે. પરિણામે જળાશયની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના વધુ રિચાર્જને પ્રોત્સાહન મળશે.

વાપી શહેરને મળશે શહેરી સુવિધાઓનો લાભ

આ પ્રોજેક્ટથી વાપી શહેરને વ્યાપક શહેરી લાભો મળવાની પણ અપેક્ષા છે. આશરે 2.3 લાખની વસ્તી માટે પીવાના પાણીની સુવિધામાં સુધારો થવા ઉપરાંત પાર્ક અને બોટિંગ વિસ્તાર જેવી મનોરંજન સુવિધાઓ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ તથા નદી પર નવા માર્ગ કોરિડોરનું નિર્માણ થઈ શકશે. આથી શહેરની આંતરિક અવરજવરમાં પણ સુધારો થશે.

દમણગંગા પ્રોજેક્ટ, દક્ષિણ ગુજરાતનાં આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande