કચ્છના કાળા ડુંગર વિસ્તારમાંથી વર્ષો બાદ અતિ દુર્લભ એવા ‘રજવાડી સાપ’ અને ‘રેતિયા સાપ’ની જોડી એક સાથે જોવા મળી
કચ્છ જિલ્લાનું અનોખું નિવસનતંત્ર- ecosystem અને શુષ્ક વાતાવરણ આવા દુર્લભ જીવો માટે સાનુકૂળની સાથે ઉત્તમ આશ્રય સ્થાન. ગાંધીનગર, 12 ઓકટોબર (હિ.સ.) : સમગ્ર દેશમાં એકમાત્ર કચ્છ એવો પ્રદેશ છે જે રણ, સમુદ્ર અને પર્વતનો સમૃદ્ધ વારસો ધરાવે છે એટલા માટે
A pair of extremely rare 'Princess Snake' and 'Sand Snake' were spotted together after many years in the Kala Dungar area of Kutch.


- કચ્છ જિલ્લાનું અનોખું નિવસનતંત્ર- ecosystem અને શુષ્ક વાતાવરણ આવા દુર્લભ જીવો માટે સાનુકૂળની સાથે ઉત્તમ આશ્રય સ્થાન.

ગાંધીનગર, 12 ઓકટોબર (હિ.સ.) : સમગ્ર દેશમાં એકમાત્ર કચ્છ એવો પ્રદેશ છે જે રણ, સમુદ્ર અને પર્વતનો સમૃદ્ધ વારસો ધરાવે છે એટલા માટે જ વિશ્વભરના પ્રવાસીઓ માટે 'કચ્છડો બારેમાસ' એવું કહેવાય છે. તાજેતરમાં હવે તેમાં વધુ એક વિશેષતા ઉમેરાઈ છે. કચ્છ જિલ્લાના 462 મીટરના સૌથી ઊંચા શિખર એવા કાળો ડુંગર વન્ય જીવ અને જૈવ વિવિધતા માટે ઉત્તમ આશ્રય સ્થાન પૂરું પાડે છે.

ગુજરાત વન વિભાગ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં રાજ્યની વન અને વન્ય જીવ સંપદાનું સતત સંવર્ધન અને સંરક્ષણ કરી રહ્યું છે.આમ,વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન કરવાની ફરજના ભાગરૂપે ગત સપ્ટેમ્બર 2026માં કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડની જુણા બીટમાં પરિક્ષેત્ર વન અધિકારી તેમજ સ્થાનિક સ્ટાફના પેટ્રોલીંગ દરમિયાન સાંજના અંદાજે 7.30 કલાકે એક અનોખી ઘટના જોવા મળી છે.

જેમાં પેટ્રોલિંગ દરમિયાન કચ્છમાં ભાગ્યેજ જોવા મળતી બે દુર્લભ સર્પ પ્રજાતિઓ વર્ષો બાદ એક જ સ્થળેથી એકસાથે મળી આવી હતી.જેમાં રજવાડી સાપ/Black-headed Royal Snake (Spalerosophis atriceps) - જે સંપૂર્ણપણે બિનઝેરી છે. જ્યારે બીજો રેતીયો સાપ /Afro-Asian Sand Snake (Psammophis schokari) જે આંશિક ઝેરી છે એટલે કે જેનું ઝેર માનવ માટે જીવલેણ નથી હોતું. જેની લંબાઈ આશરે 70 સે.મી. હતી

વિશેષરૂપે, આ ‘રેતીયો સાપ’ (Afro-Asian Sand Snake) ગુજરાતમાં જોવા મળવો એ ખૂબ જ દુર્લભ રેકોર્ડ માનવામાં આવે છે. કચ્છ જિલ્લાનું અનોખું નિવસનતંત્ર -ecosystem અને શુષ્ક વાતાવરણ આવા દુર્લભ જીવો માટે સાનુકૂળ અને ઉત્તમ આશ્રય સ્થાન પૂરું પાડે છે. આ બંને પ્રજાતિઓની એક જ સમયે અને એક જ સ્થળે હાજરી એ બાબતની પ્રતીતિ કરાવે છે કે આ વિસ્તારની જૈવ વિવિધતા હજુ પણ સમૃદ્ધ અને સુરક્ષિત છે.

આ રેતિયો સાપ જે અતિ દુર્લભની શ્રેણીમાં આવે છે. આ સાપનો ગુજરાતમાં સંભવત: બીજો કે ત્રીજો રેકોર્ડ છે. તજજ્ઞ અજય દેસાઈ લિખિત બુક 'સર્પ સંદર્ભ' મુજબ પ્રથમ વખત ફોટોગ્રાફિક રેકોર્ડ લોડાઇ ખાતે નોંધાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા દર વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સ્થાનિકોને જાગૃત કરવા માટે સાઇનબૉર્ડ, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ શિબિર અને અન્ય વિવિધ વિષયાનુરૂપ કાર્યક્રમો દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવે છે.

વન વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો તથા આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે પ્રકૃતિ તથા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આવા દુર્લભ વન્યજીવોના સંરક્ષણ અને જતન અભિયાનમાં પોતાનો પૂર્ણ સહયોગ મળવાથી આપણે સાથે મળીને વન્ય જીવોનું જતન કરી શકીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande