
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના મોચીબજાર સ્થિત કૃષ્ણપરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ વર્ષો બાદ મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર અને બિનઆરોગ્યપ્રદ નોનવેજનું વેચાણ પર્દાફાશ કર્યો છે. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણીની આગેવાની હેઠળની ટીમે કૃષ્ણપરામાં ચબૂતરા સામે આવેલી એશમીરા ચિકન અને અલીફ ચિકન એમ બે દુકાનોના કોલ્ડ સ્ટોરેજ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન એશમીરા ચિકનમાંથી ૧૧૦૦ કિલો અને અલીફ ચિકનમાંથી ૪૦૦ કિલો એમ કુલ ૧૫૦૦ કિલો જેટલો ભારે માત્રામાં પડતર અને વાસી ચિકનનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા આ જથ્થા પર કોઈપણ પ્રકારનું ઉત્પાદન કે એક્સપાયરી ડેટનું લેબલિંગ નહોતું તેમજ કતલ અંગેનું કોઈ રજીસ્ટર પણ નિભાવવામાં આવતું ન હતું.
સમગ્ર જથ્થો અત્યંત અનહાઇજેનિક પરિસ્થિતિમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અંદાજે રૂા. ૩ લાખની કિંમતના આ જોખમી અને બિનઆરોગ્યપ્રદ ચિકનના જથ્થાનો નાશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે આરોગ્ય તંત્રની આ લાલ આંખથી નોનવેજના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt