
- દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા અને ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત તથા અસરકારક બનાવવા પર ભાર
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોની ભરતી અને રોસ્ટર નીતિ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો
- રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે 350 અધિકારીઓ સહભાગી બન્યાગાંધીનગર,12 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકારમાં દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા અને ભરતી પ્રક્રિયામાં રોસ્ટર નીતિનું ચોકસાઈપૂર્વક પાલન સુનિશ્ચિત કરવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
આ અંતર્ગત ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલા એક દિવસીય વર્કશોપમાં વિવિધ વિભાગોના અંદાજે 350 અધિકારીઓને અનામત ભરતી, રોસ્ટર રજિસ્ટરની જાળવણી અને ભરતી પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓના નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અનામતની બંધારણીય વ્યવસ્થા અનુસાર વિશેષ વર્ગોના બંધારણીય હકો જાળવવાનું કામ રોસ્ટર વ્યવસ્થા કરે છે, એટલે રોસ્ટર એ અનામત વ્યવસ્થાનું હૃદય છે.”
મંત્રીએ સરકારી ભરતીમાં અનામતની બંધારણીય જોગવાઈઓનું યોગ્ય પાલન કરવા અને રોસ્ટર વ્યવસ્થાના અસરકારક અમલીકરણ દ્વારા પાત્ર ઉમેદવારોને ન્યાયસંગત તક આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે રોસ્ટર રજિસ્ટરની જાળવણી, અનામત ક્રમની નોંધણી અને સંબંધિત પત્રકોમાં વિગતોની ચોકસાઈપૂર્વક નોંધ રાખવા જેવી બાબતો પર વિશેષ ધ્યાન દોર્યું હતું.
રોસ્ટર સંબંધિત કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અને રાખવાની જરૂરી કાળજી અંગે વિભાગ દ્વારા મુદ્દાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ તેમણે સચિવ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.વર્કશોપમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ,2016ની જોગવાઈઓ અનુસાર દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. દિવ્યાંગતાની વિવિધ કેટેગરીઓ અનુસાર પાત્ર ઉમેદવારોની ભરતી, પ્રક્રિયા દરમિયાન આવતી અડચણો અને તેના નિવારણના ઉપાયો અંગે અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ ભરવી એ માત્ર વહીવટી કામગીરી નહીં, પરંતુ સામાજિક ન્યાય અને સમાન તક સુનિશ્ચિત કરવાની નૈતિક જવાબદારી પણ છે. આથી, બાકી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવા પર ભાર મૂકાયો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત જાહેર સેવા આયોગના અધિકારીઓએ ભરતી માટે માંગણાપત્રક મોકલતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અનામત જગ્યાઓની યોગ્ય ઓળખ અને ભરતીની દરખાસ્ત તૈયાર કરતી વખતે રાખવાની જરૂરી કાળજી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ટિકલ અને હોરિઝોન્ટલ અનામતના વિવિધ પાસાંઓની સમજ આપવામાં આવી હતી. તેમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS), દિવ્યાંગો, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટેની અનામત જોગવાઈઓનો સમાવેશ થતો હતો.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલે ઉપસ્થિત અધિકારીઓને પ્રેરિત કરતાં જણાવ્યું કે દિવ્યાંગ ભરતી અને રોસ્ટર એ આપણી ભરતી પ્રક્રિયા માટે અતિ મહત્વની કામગીરી છે. તેમાં દિવ્યાંગ ભરતી કરવી એ કાયદાની તેમજ નૈતિક રીતે આપણી ફરજ બની જાય છે. તેથી સર્વે અધિકારીઓએ આ ભરતી કરવાની કામગીરી અંગત રસ લઈને કરવી જોઇએ.
કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. અંજુ શર્માએ ઉપસ્થિત રહી આવા વર્કશોપની ઉપયોગિતા પર ભાર મૂક્યો હતો.
તેમણે રોસ્ટર નીતિ અને માંગણાપત્રક જેવી મહત્ત્વપૂર્ણ કામગીરીને ઑનલાઇન કરવા માટેની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવી, આ વ્યવસ્થાના સુવ્યવસ્થિત ડિજિટલાઇઝેશનથી ભવિષ્યમાં ભરતી અને બઢતીની પ્રક્રિયા વધુ સરળ તથા કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વર્કશોપમાં અધિકારીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા-વિચારણા દ્વારા વિવિધ નિયમો અંગે સ્પષ્ટતા મેળવી હતી. તેનાથી ભરતી પ્રક્રિયામાં નિયમોનું એકસમાન અમલીકરણ કરવા અને વિભાગો વચ્ચે વધુ સારું સંકલન સાધવામાં મદદ મળશે.
વર્કશોપ દરમિયાન અમદાવાદના મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ દીકરીઓએ તાલબદ્ધ સંગીત સાથે મધુર પ્રાર્થના રજૂ કરી હતી. દીકરીઓએ UPSCની પરીક્ષા પાસ કરવા અને અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક બનવા જેવા પોતાના જીવનલક્ષ્યો વ્યક્ત કરીને સૌને પ્રેરણા આપી હતી. તેમની રજૂઆતને ઉપસ્થિત અધિકારીઓએ હર્ષભેર વધાવી હતી.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અનામત ભરતીની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવી પાત્ર ઉમેદવારોને તેમના અધિકારો અને સમાન તકનો લાભ મળે તથા અનામત વર્ગોની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા આ વર્કશોપનું સમાપન સામાજિક ન્યાયના સંકલ્પ અને રાષ્ટ્રગાન સાથે થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ