
જામનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના ગરીબનગર-પાણાખાણ વિસ્તારમાં આવેલા ઓશિયાનીક ગોડાઉનમાંથી સસ્તા અનાજના ઘઉંના ૧,૩૯૯ કટાની ચોરીના ચર્ચસ્પદ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ચોરીમાં સામેલ અન્ય આરોપીઓ સાથે ચોરાઉ ઘઉંનો જથ્થો ખરીદનાર વેપારીની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર અશોકકુમાર સુચક દ્વારા ગોડાઉનમાંથી રૂ. ૧૮.૦૮ લાખની કિંમતના સસ્તા અનાજના ઘઉંના કટાની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તસ્કરોએ ગોડાઉનની છત પર પ્રકાશ માટે લગાવેલું ફાયબરનું પતરું ઊંચકાવીને અલગ-અલગ સમયે ઘઉંના કટાની ચોરીને અંજામ આપ્યો હતો.
સિટી-બી ડિવિઝન પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન ચોરાઉ ઘઉં ખરીદનાર હાપા માર્કેટિંગ યાર્ડ નજીકના વેપારી અમરશી છગનભાઈ ભંડેરીની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલા પાંચ શખ્સો બાદ આ વેપારીની પણ અટકાયત કરવામાં આવતાં, આ ચોરીના પ્રકરણમાં કુલ ધરપકડનો આંકડો ૬ પર પહોંચ્યો છે.
હાલમાં વેપારી સહિત તમામ છ આરોપીઓને ૧૫ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. ચોરાયેલા ઘઉંનો બાકીનો જથ્થો કોને વેચવામાં આવ્યો હતો તથા આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt