
- અંદાજે 252 ટન કચરાનો નિકાલ કરાયો
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની આગેવાની હેઠળ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી, તાતીથૈયા અને કડોદરા કેનાલ ખાતે મહાસફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં કચરાનો નિકાલ કરાયો હતો. આ અભિયાન હેઠળ તાતીથૈયા ગામ ખાતે થી અંદાજે 168 ટન તથા વરેલી ગામ ખાતે થી 84 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
મહાસફાઈ અભિયાનમાં ક્વોરી એસોસિએશન અને નેશનલ હાઇવે ઓથોરિટીના સહયોગથી 08 જે.સી.બી., 12 ટ્રક, હિટાચી, ટ્રેક્ટરો, ડમ્પર સહિતના સાધન-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવસભર ચાલેલી આ કામગીરી દરમિયાન સફાઈ માટે જરૂરી સંસાધનોની મદદથી મોટા પાયે સફાઈ હાથ ધરી હતી. અધિકારી- પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાએ સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ અભિયાનમાં જિ.પંચાયતના પ્રમુખ સમીર મોદી, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પલસાણા તા. પંચાયત પ્રમુખ અશ્વિની કુમારી, સંગઠન પ્રમુખ ભરત રાઠોડ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌએ સાથે મળીને જાહેર સ્થળો અને કેનાલ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરીમાં જોડાઈ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે