
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના વિવિધ વિસ્તારોમાં આવેલા જુદા જુદા ટી.પી. પ્લોટમાં ફટાકડાના સ્ટોલ તેમજ અન્ય સીઝનલ વ્યવસાયો શરૂ કરવા માટે જગ્યા ફાળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે તારીખ ૨૧મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રસ ધરાવતા તમામ વ્યવસાયીઓને ભાગ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ જાહેર હરાજી અંતર્ગત શહેરના અલગ-અલગ સાત મુખ્ય સ્થળો પર આવેલા ટી.પી. પ્લોટ ભાડે આપવામાં આવશે. જેમાં નાનામવા સર્કલ પાસેનો પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેનો પ્લોટ, રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેનો પ્લોટ, સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામેનો પ્લોટ, રાજનગર મેઈન રોડ પર ધરતી હોન્ડા સામેનો પ્લોટ, ટી.પી.નં.૨૬ (મવડી) સુવર્ણભૂમિ બાજુનો પ્લોટ અને અમીન માર્ગ કોર્નર પર ઝેડ-બ્લૂ સામેનો પ્લોટ સામેલ છે. આ પ્લોટ તારીખ ૩૦/૧૦/૨૦૨૬ થી ૦૮/૧૧/૨૦૨૬ સુધી અથવા જરૂરિયાત મુજબ વધારાના દિવસો માટે ફાળવવામાં આવશે.
હરાજીની પ્રક્રિયા તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબરભાઈ રોડ ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં યોજાશે. આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓએ હરાજી પહેલાં રૂ. ૧૦,૦૦૦/- ની ડિપોઝિટ રકમ ભરપાઈ કરવી ફરજિયાત રહેશે. ડિપોઝિટ ભર્યા વગર કોઈપણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. જે વેપારીઓને હરાજીમાં સ્ટોલ કે ગાળો નહીં મળે, તેમને કમિશનરશ્રીની સૂચના મુજબ આ ભરેલી ડિપોઝિટની રકમ વહેલી તકે તેમના ખાતામાં પરત જમા કરી દેવામાં આવશે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વધુને વધુ સીઝનલ વ્યવસાયીઓ આ હરાજીમાં ભાગ લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ હરાજી પ્રક્રિયા, નિયમો અને અન્ય વિગતો વિશે વધુ માહિતી મેળવવા માટે ઈચ્છુક વેપારીઓએ ડો. આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, ત્રીજા માળે આવેલા રૂમ નંબર ૧૦, એસ્ટેટ શાખાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં વ્યવસ્થિત રીતે ફટાકડા અને સીઝનલ વેચાણ થઈ શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt