

ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : લોકપ્રિય લોકગાયિકા અને બિહાર વિધાનસભાનાં અલીનગર મતવિસ્તારનાં ધારાસભ્ય મૈથિલી ઠાકુરે આજે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
બિહારનાં સૌથી નાની વયના ધારાસભ્ય મૈથિલી ઠાકુર ભારતીય લોકસંગીત, ખાસ કરીને મિથિલા પ્રદેશની સમૃદ્ધ લોકસંગીત પરંપરા અને ભક્તિગીતોની રજૂઆત માટે જાણીતા છે. તેમણે પોતાની સુમધુર ગાયકી દ્વારા ભારતીય લોકસંસ્કૃતિ અને પરંપરાગત સંગીતને દેશભરમાં નવી ઓળખ અપાવી છે.
2019ના વર્ષમાં તેમને ભારત સરકાર દ્વારા અટલ મિથિલા સન્માન આપવામાં આવ્યું છે. એટલું જ નહિ, ૨૦૨૪માં તેમને ભારતના પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ‘કલ્ચરલ એમ્બેસેડર ઑફ ધ યર’ શ્રેણીમાં પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સંગીત ક્ષેત્રે લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ તેમણે વર્ષ ૨૦૨૫માં રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અલીનગર મતવિસ્તારમાંથી વિજય મેળવી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ