

પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર શહેરના ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જનતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓ, જાહેર સુવિધાઓની જરૂરિયાતો તેમજ વિકાસલક્ષી કામો અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆતો કરી હતી.
જનતા સંવાદ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે નાગરિકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. લોકોએ રજૂ કરેલા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઝડપી ઉકેલ માટે તેમણે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓ જાણીને તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો હતો. કાર્યક્રમના માધ્યમથી લોકોને પોતાની રજૂઆતો સીધી ધારાસભ્ય સમક્ષ મૂકવાની તક મળી હતી.
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ચૌધરી, જશુભાઈ પટેલ અને સુરપાલસિંહ રાજપૂત સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશ્નો, નાગરિકોની જરૂરિયાતો અને વિસ્તારના વિકાસને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ