રાજકોટ રેન્જની ટીમ પર સાયલામાં કુખ્યાત હિસ્ટ્રીશીટરનો હુમલો : પોલીસનો વળતો ગોળીબાર
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામનો અને અડધો ડઝનથી વધુ ગંભીર ગુનાઓમાં છેલ્લા દસ માસથી વોન્ટેડ નામચીન શખ્સ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ બોરીચાને પકડવા ગયેલી રાજકોટ રેન્જ પોલીસ ટીમ પર તેણે હુમલો કરી પીએસઆઈની સર
રાજકોટ રેન્જ ટીમ પર ફાયરિંગ કરનાર શખસ


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામનો અને અડધો ડઝનથી વધુ ગંભીર ગુનાઓમાં છેલ્લા દસ માસથી વોન્ટેડ નામચીન શખ્સ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ બોરીચાને પકડવા ગયેલી રાજકોટ રેન્જ પોલીસ ટીમ પર તેણે હુમલો કરી પીએસઆઈની સરકારી ગ્લોક પિસ્તોલ આંચકી લીધી હતી. આત્મરક્ષણાર્થે અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દ્વારા કરવામાં આવેલા વળતા ગોળીબારમાં આરોપીના બંને પગમાં ગોળી વાગતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી આતંક મચાવનાર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ ઉર્ફે જેન્ડુ ભરતભાઈ બોરીચા સામે અગાઉ પણ ૧૫થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તે ધજાળા, વીંછિયા, સાયલા અને આણંદ સહિતના પોલીસ સ્ટેશનોમાં ખંડણી, આર્મ્સ એક્ટ, રાયોટિંગ, મારામારી અને દારૂના છ જેટલા ગંભીર ગુનાઓમાં છેલ્લા દસ મહિનાથી નાસતો ફરતો હતો. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમ આ કુખ્યાત હિસ્ટ્રીશીટરની સઘન શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સાયલાના ગોસળ ગામે આવેલા હનુમાનજી મંદિર પાસે છુપાયેલો છે, જેના આધારે રેન્જ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં ધસી ગઈ હતી અને તેને દબોચી લીધો હતો.

પોલીસે પંચનામું કરી આરોપી દેવેન્દ્રને સાયલા પોલીસ સ્ટેશનના હવાલે કરવા માટે સરકારી વાહનમાં બેસાડ્યો હતો. ગાડી રસ્તામાં આગળ વધતી હતી ત્યારે જ ચાલાક આરોપીએ પોલીસને ચકમો આપવા માટે ઉલટી કરવાનું નાટક શરૂ કરી દીધું હતું અને વાહન ઊભું રાખવા માટે ધમ-પછાડા કરવા લાગ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે વાહન રસ્તામાં ઊભું રાખ્યું હતું. વાહન ઊભું રહેતાની સાથે જ પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા નીચે ઉતર્યા હતા, અને તેમની પાછળ આરોપી દેવેન્દ્ર પણ નીચે આવ્યો હતો.

નીચે ઉતર્યા બાદ આરોપીએ અચાનક નમીને ઉલટી કરવાના બહાને પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રાની સરકારી ગ્લોક પિસ્તોલ ખેંચી લીધી હતી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. કુખ્યાત શખ્સે પિસ્તોલ લોડ પણ કરી લીધી હતી. જોકે, સતર્ક પીએસઆઈ મિયાત્રાએ તરત જ તેનું કાંડું પકડીને બેરલ જમીન તરફ વાળી લેતા જમીનમાં ફાયરિંગ થઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને સાથે રહેલા બીજા પીએસઆઈ પી. એન. મોરીએ આરોપીને અટકાવવા માટે પોતાની સરકારી પિસ્તોલમાંથી હવામાં ચેતવણીરૂપ ફાયરિંગ કર્યું હતું, પરંતુ આરોપી સહેજ પણ ડર્યો નહોતો અને તેણે ફરીથી હુમલો કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

આરોપી કોઈ પણ ભગે પોલીસને નુકસાન પહોંચાડીને ભાગી છૂટવાના મૂડમાં હતો અને સતત ઝપાઝપી કરી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પીએસઆઈ પૃથ્વીસિંહ મોરીએ આત્મરક્ષણ માટે અને આરોપીને કાબૂમાં લેવા માટે તેના પગ તરફ લક્ષ્ય રાખીને ગોળીબાર કર્યો હતો. આશ્ચર્યજનક રીતે પોલીસની એક જ ગોળી આરોપીના બંને પગમાંથી આરપાર નીકળી જતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પરસ થઈ ગયો હતો. આજની આ સમગ્ર ઘટના દરમિયાન કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે.

ઘટના બનતાની સાથે જ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઈજાગ્રસ્ત દેવેન્દ્રને તાત્કાલિક સારવાર માટે સાયલા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રાએ સરકાર તરફથી ફરિયાદી બનીને કુખ્યાત શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશ, પોલીસની ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા અંગેની કલમો હેઠળ સાયલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ થઈ ચૂકી છે તેમજ તેની સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande