

પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરની સરકારી સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં દર્દીના સગાએ હોબાળો મચાવી ફરજ પરના કર્મચારી સાથે મારામારી કરતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં લેબ ટેકનિશિયન સંદીપ ઓડેદરાને મોઢા અને દાંતના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલના સ્ટાફમાં રોષફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ત્યાં આવેલા દર્દીના સગા હેમલ તુલસીદાસ કારિયાએ કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈ હોબાળો મચાવ્યો હતો. તેણે ફરજ પર હાજર સ્ટાફને અપશબ્દો કહ્યા હતા અને પોતાની ફરજ બજાવી રહેલા લેબ ટેકનિશિયન સંદીપ ઓડેદરા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સંદીપ ઓડેદરાને મોઢા અને દાંતના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કર્મચારી પર થયેલા હુમલાને કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં કમલાબાગ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
કમલાબાગ પોલીસના જણાવ્યા મુજબ, હુમલો કરનાર હેમલ કારિયાની માનસિક સ્થિતિ અસ્થિર છે અને તેની દવાઓ પણ ચાલુ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે બનાવ અંગે નોંધ કરી તેને જવા દીધો હતો. બીજી તરફ, હોસ્પિટલ તરફથીઆ બનાવ અંગે પોલીસને કોઈ સત્તાવાર ફરિયાદ મળી ન હોવાનું પણ જણાવાયું છે. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના કર્મચારી સાથે થયેલી મારામારીની ઘટનામાં પોલીસની નોંધ બાદ આગળની કાર્યવાહીનો મામલો હોસ્પિટલ તરફથી ફરિયાદ ન મળવાની સ્થિતિ સાથે જોડાયેલો રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya