રાજકોટના ગોંડલમાં ઇલેક્ટ્રિશિયનની લાપરવાહી: ગેરકાયદે વીજ કનેક્શનને કારણે રિપેરિંગ કરતા યુવકને લાગ્યો કરંટ
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલમાં ગેરકાયદેસર વીજ કનેક્શનને કારણે લાઇન રિપેરિંગ કરી રહેલા ૨૮ વર્ષીય શ્રમિક યુવકને વીજળીનો ભારે આંચકો લાગતા તે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા પોલ પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકને મણકા અને પગના ગોળામાં ફ્રેક્ચર થત
ફરિયાદ


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલમાં ગેરકાયદેસર વીજ કનેક્શનને કારણે લાઇન રિપેરિંગ કરી રહેલા ૨૮ વર્ષીય શ્રમિક યુવકને વીજળીનો ભારે આંચકો લાગતા તે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા પોલ પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકને મણકા અને પગના ગોળામાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ ગોંડલના સાંઢિયાપુલ પાસે રહેતા ૨૮ વર્ષીય પરમેશ્વરસીંગ પ્રેમસિંગ રાવત પીજીવીસીએલના લેબર કોન્ટ્રાક્ટર પાસે મજૂરી કામ કરે છે. ગત તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સવારે તેઓ મહાવીરધામ સોસાયટી નજીક ઉદ્યોગનગર અર્બન ફીડરમાં વીજ લાઇનનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી માટે સવારથી વીજ પ્રવાહ બંધ રાખવામાં આવ્યો હતો. સવારે ૧૦ વાગ્યા આસપાસ તેઓ વીજ પોલ પર ચડી જમ્પર રિપેરિંગ કરી રહ્યા હતા.

પાવર બંધ હોવાની ખાતરી વચ્ચે અચાનક જમ્પરને અડતા જ યુવકને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો. કરંટ લાગતા જ યુવક આશરે ૨૦ થી ૨૫ ફૂટની ઊંચાઈ ધરાવતા પોલ પરથી નીચે પટકાયો હતો. વચ્ચેથી પસાર થતી સર્વિસ લાઇન સાથે અથડાઈને જમીન પર પડતા યુવક બેભાન થઈ ગયો હતો. સાથી કર્મચારીઓએ તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબે તેના કમરના છઠ્ઠા મણકામાં તથા જમણા પગના ગોળામાં ફ્રેક્ચર થયાનું જાહેર કર્યું હતું.

આ અકસ્માત બાદ પીજીવીસીએલની ટીમે તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. બનાવ સ્થળથી ૫૦૦ મીટર દૂર 'સુપર ઇલેક્ટ્રિક' નામની દુકાન ધરાવતા સોહિલ ગફારભાઈ ગૂંગાએ બંધ વીજ કનેક્શન છતાં અન્ય ફીડરમાંથી ગેરકાયદેસર રીતે પાવર મેળવ્યો હતો. આ ગેરકાયદે જોડાણને કારણે વીજ પાવર રિવર્સ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના અંગે પોલીસે સોહિલ ગૂંગા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande