વન ભવન, સુરત ખાતે CISF અને ONGCના સંયુક્ત ઉપક્રમે ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને પ્રાથમિક અગ્નિશામક તાલીમ’ કાર્યક્રમ યોજાયો
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.) : ONGC વ્યવસ્થાપનના સહયોગથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) એકમ ONGC હજીરા દ્વારા નાયબ વન સંરક્ષક કચેરી, સુરત (વન ભવન)ના પ્રાંગણમાં ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને પ્રાથમિક અગ્નિશામક તાલીમ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમન
‘Fire Safety Awareness and Basic Firefighting


સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.) : ONGC વ્યવસ્થાપનના સહયોગથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) એકમ ONGC હજીરા દ્વારા નાયબ વન સંરક્ષક કચેરી, સુરત (વન ભવન)ના પ્રાંગણમાં ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને પ્રાથમિક અગ્નિશામક તાલીમ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને આગના સંભવિત અકસ્માતોની અટકાયત, કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત બહાર નીકળવા અને આગની ઘટના વખતે પ્રાથમિક સ્તરે અસરકારક કામગીરી કરવા અંગે સજ્જ કરવાનો હતો.

આ ખાસ તાલીમ કાર્યક્રમ ડેપ્યુટી કમાન્ડન્ટ (ફાયર) રાકેશ કુમારના નેતૃત્વ હેઠળ યોજાયો હતો, જેમાં ઇન્સ્પેક્ટર (ફાયર) ડૉ. સ્વયં પ્રકાશ વર્મા દ્વારા ઉપસ્થિત કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમમાં વન વિભાગના કચેરી કર્મચારીઓ, બીટ ગાર્ડ, સુરક્ષા સ્ટાફ સહિત એકંદર ૧૦૫ સહભાગીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

તાલીમ સત્ર દરમિયાન સહભાગીઓને પ્રાથમિક અગ્નિશમનના મૂળભૂત સિદ્ધાંતો, વિવિધ શ્રેણીની આગ અને તેના પ્રકાર અનુસાર યોગ્ય અગ્નિશામક યંત્ર (ફાયર એક્સટિંગ્યુશર)ની પસંદગી તેમજ તેના સુરક્ષિત અને યોગ્ય સંચાલન અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અગ્નિશામક ઉપકરણોનું વ્યવહારુ નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) અને પ્રાયોગિક અભ્યાસ કરાવીને ઈમરજન્સી સમયે સાધનોનો ત્વરિત અને સુરક્ષિત ઉપયોગ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.

કોઈપણ આપત્તિ કે અગ્નિ અકસ્માતની કટોકટી વખતે સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા વિશે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ભયના પ્રસંગે શાંતિ અને શિસ્ત જાળવીને નિયત નિકાસ માર્ગોનો જ ઉપયોગ કરવો જોઈએ.

કાર્યક્રમના અંતે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત જરૂરી સાવચેતીઓ, ત્વરિત નિર્ણયશક્તિ અને સંયમિત રહીને યોગ્ય પગલાં ભરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમથી વન વિભાગના કર્મચારીઓની કટોકટી સમયની કાર્યક્ષમતા અને આપત્તિ પ્રતિભાવ ક્ષમતામાં વધારો થશે.

આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખીને આયોજિત તાલીમ કાર્યક્રમમાં સહભાગીઓને ફટાકડાના સુરક્ષિત ઉપયોગ અને આગ સામેની સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જ્વલનશીલ પદાર્થો, મકાનો અને સંવેદનશીલ સ્થળોથી દૂર રહી પૂરતું અંતર જાળવીને ફટાકડા ફોડવા તેમજ કટોકટીની સ્થિતિ માટે પાણી, રેતી અને યોગ્ય અગ્નિશામક ઉપકરણો તૈયાર રાખવાની સલાહ અપાઈ હતી.

આ ઉપરાંત, કાર્યસ્થળ પર અગ્નિ નિવારણના ઉપાયો, સંભવિત જોખમોની ત્વરિત જાણ, સુઘડ હાઉસકીપિંગ અને ઈમરજન્સી નિકાસ માર્ગો તથા ફાયર સાધનોની આસપાસ જગ્યા ખુલ્લી રાખવાના મહત્ત્વ વિશે માહિતગાર કરાયા હતા. સૈદ્ધાંતિક માહિતી, પ્રાયોગિક નિદર્શન અને સહભાગિતા આધારિત આ તાલીમ દ્વારા કર્મચારીઓને પ્રાથમિક અગ્નિશમન, સુરક્ષિત નિકાસ અને કટોકટી પ્રતિભાવનું વ્યવહારુ કૌશલ્ય પૂરું પાડીને સુરક્ષિત કાર્ય વાતાવરણ જાળવવા અને તહેવાર દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande