
ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા સેવા સદનના કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરએ 'જળ સંચય જન ભાગીદારી' અંતર્ગત જિલ્લામાં કામોની ગતિ વધારવા અને ભૂગર્ભજળ અને કન્ઝર્વેશન સહિત જળ સંચયમાં વિવિધ વિભાગો અને નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, માનવજીવન અને ભવિષ્યની પેઢી માટે જળ સંરક્ષણ ખૂબ જ અગત્યનું છે. જળ સંરક્ષણ એ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. જળ સંરક્ષણથી લાંબાગાળે સારા પરિણામો મળી શકે છે અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મળી શકે છે.
જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના પરિસરમાં વિવિધ માધ્યમો દ્વારા જળ સંરક્ષણ થાય એ સુનિશ્ચિત કરવા પર કલેક્ટરએ ખાસ ભાર મૂક્યો હતો.
ફરિયાદ સમિતિની બેઠકમાં રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય સર્વ ભગવાન બારડ, વિમલભાઈ ચુડાસમા સહિતના જનપ્રતિનિધિઓએ જિલ્લામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે કરવામાં આવેલી વ્યવસ્થા, પમ્પિંગ સ્ટેશન અને પાઈપલાઈનની જાળવણી, મોરડિયા ગામે ડિમોલેશનમાં ક્ષતિગ્રસ્ત હવાડા સહિતના બાંધકામ અંગે, આલિદ્રા ગામના નવા-જૂના સર્વે નંબર, જમીન ટૂકડાધારા હેઠળ ૧૦ ગુંઠાના સુધારાના પરિપત્ર અંગે, છેલ્લા પાંચ વર્ષમાં બનેલા રસ્તાઓ, સરકારી ખરાબામાં ખેડૂતોના રસ્તાઓ, હોમગાર્ડનું મહેકમ-બઢતી-પ્રમોશન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં કલેક્ટરએ જનહિતલક્ષી પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તેમજ પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ લોકોની અરજીઓનો સમયસર નિકાલ થાય તેવી સૂચના આપી નાગરિક અધિકારપત્ર અન્વયે આવેલી અરજીઓ, નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શન મંજૂર, પગાર ફિક્સેસન, બાકી રહેતા સરકારી લેણાંની વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ, ન્યૂઝ એનાલિસિસના એક્શન ટેકન રિપોર્ટ સહિતની કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.
વાહનવ્યવહાર અધિકારી વાય.જી.વાઘેલાએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને જે-તે વિભાગો પાસે ૧૫ વર્ષ કરતા જૂના વાહનો હોય તો તે રદબાતલ કરવા અંગેની પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા પોલિસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, અજય શામળા સહિત શિક્ષણ, ખેતીવાડી, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, વનવિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, આર.ટી.ઓ, આરોગ્ય, બાગાયત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ