
ગીર સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શનમાં માર્ગ સલામતિ સમિતિ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી સહિતની મેરેથોન બેઠકો યોજાઈ હતી.
જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં યોજાયેલી માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં હાઈવે પરના અનધિકૃત પાર્કિંગ અને દબાણો, વિવિધ હોટેલ્સ, પેટ્રોલપંપ અને એકમ પાસે ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસરના ગેપ, ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા સ્પીડબ્રેકર્સ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે આગામી દિવાળીના તહેવાર દરમિયાન હંગામી ફટાકડા સ્ટોલની તપાસ અને નીતિનિયમ અનુસાર ફાયર સેફ્ટી, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરી સલામતિના ધોરણો સુનિશ્ચિત કરવા સહિતની સૂચનાઓ આપી હતી.
કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં સ્વરક્ષણ અને પાકરક્ષણ માટેના હથિયાર લાઈસન્સ, જાહેરનામા ભંગના કેસ, તડીપાર કેસો, બી.એન.એસની કલમ-૧૨૯ મુજબ કરાયેલી કાર્યવાહી, પેટ્રોલિયમ સ્ટોરેજ લાયસન્સની એન.ઓ.સી. પેન્ડિંગ અરજી સહિત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટી, હિટ એન્ડ રન, નાર્કો સહિતની બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પરત્વે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નાયબ પોલિસ અધિક્ષક સી.પી.ખટાણા, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, અજય શામળા સહિત આર.ટી.ઓ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ સહિતના વિભાગોના અધિકારીઓ અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ