
ગીર સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) GHCL ફાઉન્ડેશન દ્વારા ‘પિંક ઓક્ટોબર’ (Pink October) એટલે કે સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણીના ભાગરૂપે આજે સુત્રાપાડા સ્થિત વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (VTI) ખાતે તાલીમાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GHCL ફાઉન્ડેશનની સહયોગી સંસ્થા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા યોજાયો હતો.
ઓક્ટોબર મહિનો વિશ્વભરમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા, સમયસર નિદાનનું મહત્ત્વ સમજાવવા અને સ્તન કેન્સરથી અસરગ્રસ્ત વ્યક્તિઓને સહયોગ આપવા માટે સમર્પિત છે.
આ અભિયાન અંતર્ગત તાલીમાર્થીઓને સ્તન કેન્સરનાં પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસ, નિયમિત આરોગ્ય ચકાસણી અને જાગૃતિના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે ગાયનેકોલોજિસ્ટ ડૉ. ખુશાલી શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સ્તન કેન્સર અંગેની મૂળભૂત જાણકારી આપતાં સમયસર લક્ષણોની ઓળખ, તબીબી સલાહ અને વહેલા નિદાનની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને જરૂર જણાય ત્યારે તબીબી નિષ્ણાતની સલાહ લેવા પ્રેરિત કર્યા હતાં.
આ પ્રસંગે GHCL ફાઉન્ડેશનના મેનેજર શ્રી રમેશ મકવાણા અને શ્રી જિતેન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક રાસ-ગરબામાં ભાગ લીધો હતો, જેના કારણે જાગૃતિ કાર્યક્રમમાં આરોગ્ય સાથે સાંસ્કૃતિક અભિવ્યક્તિનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ પહેલ દ્વારા GHCL ફાઉન્ડેશનનો હેતુ યુવાનોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો, સ્તન કેન્સર વિશેની ગેરસમજો દૂર કરવાનો અને સમયસર આરોગ્ય તપાસ તથા યોગ્ય તબીબી માર્ગદર્શન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ