રાજકોટના સાંગણવા ચોક ઇલેક્ટ્રિક બજારમાં સેન્ટ્રલ GSTના દરોડાથી હોબાળો, વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના જાણીતા સાંગણવા ચોક સ્થિત ઇલેક્ટ્રિક માર્કેટમાં તહેવારોની ઘરાકી ટાણે જ સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગના કાફલાએ ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર મચી ગઈ છે. નવરાત્રી અને દિવાળીની સીઝનમાં અચાનક થયેલી આ
રાજકોટમાં જીએસટી અધિકારીઓ સાથે માથાકૂટ


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના જાણીતા સાંગણવા ચોક સ્થિત ઇલેક્ટ્રિક માર્કેટમાં તહેવારોની ઘરાકી ટાણે જ સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગના કાફલાએ ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર મચી ગઈ છે. નવરાત્રી અને દિવાળીની સીઝનમાં અચાનક થયેલી આ તપાસથી રોષે ભરાયેલા વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર ઉતરી આવી અધિકારીઓ સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો, જેના કારણે સમગ્ર માર્કેટમાં તંગદિલી સર્જાઈ હતી.

મળતી વિગતો મુજબ, શનિવારે સવારે સાંગણવા ચોક ઇલેક્ટ્રિક બજારમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓનો વિશાળ કાફલો આવી પહોંચ્યો હતો અને ટેક્સ ચોરીની શંકાના આધારે આશરે ૯ જેટલી દુકાનોમાં એકસાથે તપાસ શરૂ કરી હતી. હાલ નવરાત્રીના દિવસો હોવાથી વેપારીઓ મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખતા હોય છે. સવારે દુકાનો ખોલતાની સાથે જ જીએસટીની ટીમો ત્રાટકતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી અને ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

અધિકારીઓની આ કાર્યવાહીથી નારાજ થયેલા વેપારીઓએ એકતા દર્શાવીને તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી અને જીએસટી સ્ટાફનો હૂરિયો બોલાવ્યો હતો. ‘દરોડારાજ બંધ કરો’ અને ‘અધિકારી રાજ બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર કરીને વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો. વેપારીઓનું કહેવું હતું કે મંદીના સમય બાદ માંડ તહેવારોની ખરીદી નીકળી છે, ત્યારે આવી કાર્યવાહીથી ધંધા પર માઠી અસર પડે છે. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

સાંગણવા ચોક વિસ્તારમાં અંદાજે ૪૦૦થી ૪૫૦ જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. અચાનક થયેલી આ કાર્યવાહી બાદ વેપારી આગેવાનોએ સ્થાનિક ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ અને ભાજપ સંગઠન સમક્ષ તાત્કાલિક રજૂઆતો કરી હતી. વેપારીઓએ સ્પષ્ટ માગ કરી છે કે તહેવારોના દિવસોમાં આવી પજવણી અને તાનાશાહી બંધ કરવામાં આવે તેમજ નાના વેપારીઓને શાંતિપૂર્વક પોતાનો વેપાર કરવા દેવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande